રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં લોહિયાળ શુક્રવાર: ખૈબર પખ્તુનવામાં નમાજ દરમિયાન ભયાનક આત્મઘાતી કાર બ્લાસ્ટ, 15 લોકોના મોત અને 25થી વધુ ઘાયલ

પાકિસ્તાનમાં લોહિયાળ શુક્રવાર: ખૈબર પખ્તુનવામાં નમાજ દરમિયાન ભયાનક આત્મઘાતી કાર બ્લાસ્ટ, 15 લોકોના મોત અને 25થી વધુ ઘાયલ

પડોશી દેશ પાકિસ્તાનમાંથી ફરી એકવાર માનવતાને હચમચાવી નાખતી ગોઝારી ઘટના સામે આવી છે. ખૈબર પખ્તુનવા પ્રાંતમાં આતંકવાદીઓએ પવિત્ર શુક્રવાર અને જુમાની નમાજનો સમય પસંદ કરીને એક અત્યંત શક્તિશાળી આત્મઘાતી હુમલો કર્યો છે. વિસ્ફોટકોથી ભરેલી એક બેકાબૂ વાનને સીધી પોલીસ લાઈન્સની ઇમારત સાથે અથડાવવામાં આવતા સર્જાયેલા પ્રચંડ વિસ્ફોટમાં 15 નિર્દોષ લોકોના કાળમુખા મોત નીપજ્યા છે, જ્યારે 25થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. છેલ્લા બે દિવસમાં થયેલા આડેધડ હુમલાઓએ સમગ્ર દેશમાં યુદ્ધ જેવી દહેશત ફેલાવી દીધી છે.

પોલીસ લાઈન્સને બનાવવામાં આવી નિશાન: મળતી વિગતો મુજબ, ખૈબર પખ્તુનવા પ્રાંતના કોરાટ જિલ્લાના સંવેદનશીલ પોલીસ લાઈઝા વિસ્તારમાં આ કાળઝાળ હુમલો થયો હતો. આતંકવાદીઓ દ્વારા વિસ્ફોટકોથી ભરેલી એક વાનને સીધી પોલીસ લાઈન્સની બિલ્ડિંગ સાથે અથડાવવામાં આવી હતી. ધડાકો એટલો ભયાનક હતો કે આખી ઇમારત ધ્રૂજી ઉઠી હતી અને આસપાસનો વિસ્તાર ધડાકાના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. વિસ્ફોટ બાદ ચારેબાજુ અફરાતફરી મચી ગઈ હતી અને હીચકારો માહોલ સર્જાયો હતો.

જુમાની નમાજ સમયે હુમલો, મૃત્યુઆંક વધવાની દહેશત: આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો જ્યારે લોકો શુક્રવારની પવિત્ર ‘જુમાની નમાજ’ અદા કરી રહ્યા હતા. આ અચાનક થયેલા ઘાતક હુમલામાં અત્યાર સુધીમાં 15 લોકોના પ્રાણ પંખેરૂ उड़ ગયા છે. ઘાયલોમાંથી અનેકની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક હજી વધુ વધવાની પૂરેપૂરી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે સુરક્ષા દળો અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

છેલ્લા બે દિવસમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે લોહિયાળ અથડામણ: એક તરફ આત્મઘાતી વિસ્ફોટ થયો છે, તો બીજી તરફ ખૈબર પખ્તુનવા ક્ષેત્રમાં છેલ્લા બે દિવસથી પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ વચ્ચે સામસામે ભીષણ ગોળીબાર અને સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સૈન્ય અથડામણોમાં અત્યાર સુધીમાં 10 કુખ્યાત આતંકવાદીઓ અને 6 પાકિસ્તાની સૈનિકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. એક પછી એક બનતી આ હિંસાત્મક ઘટનાઓએ પાકિસ્તાનની આંતરિક સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે.

આતંકવાદના અડ્ડા પર સવાલો: સતત વધી રહેલા આતંકી હુમલાઓ અને બોમ્બ બ્લાસ્ટના કારણે સમગ્ર ક્ષેત્રમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સેના અને સુરક્ષા એજન્સીઓએ આખો વિસ્તાર સીલ કરીને સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે, પરંતુ આ હુમલાઓએ સાબિત કરી દીધું છે કે ત્યાંના નાગરિકો અને સુરક્ષાદળો માટે આતંકવાદ સૌથી મોટો ખતરો બની ગયો છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder