gujarat રાષ્ટ્રીય

AMC નો મોટો છબરડો: અમદાવાદમાં એક જ નંબરની ૨ AMTS બસ દોડતી પકડાઈ!

AMC નો મોટો છબરડો: અમદાવાદમાં એક જ નંબરની ૨ AMTS બસ દોડતી પકડાઈ!

અમદાવાદ:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) માંથી વધુ એક ગંભીર બેદરકારી અને મોટો છબરડો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના રસ્તાઓ પર એક જ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી બે અલગ-અલગ AMTS બસો મુસાફરો સાથે દોડતી પકડાતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના સામે આવ્યા બાદ વિવાદ વકરતાં આખરે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને તંત્રની ગંભીર ભૂલ હોવાનો જાહેર સ્વીકાર કરવો પડ્યો છે.

ચેરમેને સ્વીકારી ભૂલ, એજન્સીને ₹૫ લાખનો દંડ

આ મામલે વિવાદ વધતાં ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને સિસ્ટમની ગંભીર ભૂલ હોવાનો સ્વીકાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ કિસ્સામાં નવી બસમાં નંબર પ્લેટ લગાવવા સંબંધિત માનવીય ભૂલ થઈ છે.

જોકે, આ ગંભીર બેદરકારી સામે આવતાં જ AMTS સત્તાધીશો દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે. બસનું સંચાલન કરતી ખાનગી એજન્સી ‘એરોઇગલ’ (Aeroeagle) ને નિયમોના ભંગ બદલ ₹૫ લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે અને કારણદર્શક નોટિસ પાઠવી સ્પષ્ટતા માંગવામાં આવી છે.

મેઘાણીનગર પોલીસે બંને બસો જપ્ત કરી, RTO તપાસ શરૂ

વીડિયો વાયરલ થયા બાદ મેઘાણીનગર પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ ઇન્ચાર્જ PI બી. એમ. ચૌધરીના જણાવ્યા અનુસાર, પોલીસે બંને બસોને રોડ પર દોડતી અટકાવીને પોલીસ સ્ટેશન ખાતે પાર્ક કરાવી દીધી છે. હાલ બસના ડ્રાઇવર, સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે તેમજ બંને બસોના માલિકીના દસ્તાવેજોની RTO કચેરી ખાતે ચકાસણી હાથ ધરવામાં આવી છે.

GPS અને કંટ્રોલ રૂમ હોવા છતાં કેવી રીતે થયો આ છબરડો?

AMTS ની તમામ બસોમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ અને સેન્ટ્રલ કંટ્રોલ રૂમ મારફતે સતત મોનિટરિંગ થતું હોવાનો દાવો કરવામાં આવે છે. આમ છતાં, એક જ નંબર પર બે બસો કેવી રીતે અને કેટલા દિવસથી ચાલી રહી હતી તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. જો કોઈ અકસ્માત સર્જાયો હોત તો મોટી કાયદાકીય ગૂંચવણ ઉભી થઈ શકી હોત. તંત્ર દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder