આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાવી દેતી પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં કુલ 23 ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવી છે। આ યાદીમાં સૌથી મોટું અને ચર્ચાસ્પદ આકર્ષણ વોર્ડ નંબર 10 માંથી પારેખ જય શૈલેષભાઈ (એન્જલ માસી) નામના કિન્નર ઉમેદવારની પસંદગી છે, જેને લઈને હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે

મેયર પદ અને રણનીતિ અંગે ખુલાસો
પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ ભાજપના શાસન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગાંધીનગરમાં ભાજપના ભ્રષ્ટ વહીવટના કારણે નાગરિકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। ગત 2021ની ચૂંટણીમાં ‘આપ’ને અંદાજે 21% જેટલા મતો મળ્યા હતા અને એક બેઠક પર વિજય પણ પ્રાપ્ત થયો હતો। આ વખતે પક્ષે ખાસ કરીને શિક્ષિત યુવાનો અને સામાજિક કાર્યકરોની યુવા ટીમ પર પસંદગી ઉતારી છે।
જ્યારે મેયર પદના ચહેરા વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી અગાઉથી કોઈ મેયર પદનો ચહેરો જાહેર કરવામાં નહીં આવે, પરંતુ ચૂંટણી પરિણામો આવ્યા બાદ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોર્પોરેટરો દ્વારા સર્વાનુમતે મેયરની પસંદગી કરવામાં આવશે।
ગાંધીનગર મનપા ચૂંટણીનું મહત્વનું શિડ્યુલ
ગાંધીનગર મનપાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીનું સત્તાવાર સમયપત્રક નીચે મુજબ છે:
- ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત: 21 સપ્ટેમ્બર 2026
- ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ: 26 સપ્ટેમ્બર 2026
- મતદાનની તારીખ: 11 ઓક્ટોબર 2026
- મતગણતરી અને પરિણામ: 13 ઓક્ટોબર 2026
સમાજના તમામ વર્ગોને સમાન પ્રતિનિધિત્વ આપવાના દાવા સાથે મેદાનમાં ઉતરેલી ‘આપ’ની આ રણનીતિ ગાંધીનગરના રાજકારણમાં કેટલા રંગ લાવે છે તે તો ચૂંટણી પરિણામો જ નક્કી કરશે.