રાજકોટ:
રાજકોટ રેન્જ આઈજી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ આઈપીએસ નિર્લિપ્ત રાયે ગુનેગારો સામે જંગ છેડ્યો છે. વર્ષોથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે આઈજીએ એક વિશેષ રણનીતિ અપનાવી છે. રેન્જ હેઠળ આવતા પાંચ જિલ્લાના ૨૯ જેટલા કુખ્યાત આરોપીઓની માહિતી આપનાર નાગરિકોને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના ૨૯ ફરાર આરોપીઓ રડારમાં
રાજકોટ ગ્રામ્ય, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી વોન્ટેડ હોય તેવા ૨૯ આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ આરોપીઓ કાયદાની પકડથી દૂર રહીને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ ન આચરે તે માટે પોલીસ હવે જનતાની મદદ લેશે.
બાતમી આપનારની વિગતો રહેશે ગુપ્ત
આઈજી નિર્લિપ્ત રાયે સ્પષ્ટ કર્યું છે કે જે કોઈ પણ નાગરિક આ નાસતા-ફરતા આરોપીઓ વિશે સચોટ બાતમી આપશે, તેમને નક્કી કરેલું રોકડ ઈનામ આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે, માહિતી આપનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, જેથી સામાન્ય જનતા કોઈપણ ડર વગર પોલીસને સહકાર આપી શકે.
ગુનેગારોમાં ફફડાટ
નિર્લિપ્ત રાય તેમની કડક કાર્યશૈલી અને ‘ઝીરો ટોલરન્સ’ નીતિ માટે જાણીતા છે. અગાઉ પણ તેમણે અનેક પડકારજનક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે. હવે રાજકોટ રેન્જમાં પણ ગુનેગારો પર ગાળિયો કસવા માટેની તેમની આ પહેલથી ગુનાખોરી આચરતા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
