મોરબી/ટંકારા: મોરબી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસે વાહન ચોરીના ગુના આચરતા શખ્સને પાંચ ચોરાઉ બાઈક સાથે ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી છે.
ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને દબોચ્યો
ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગ અને શંકાસ્પદ ઇસમોની પૂછપરછમાં હતા. તે દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને અલ્પેશભાઇ મુનેશભાઇ કુંઢીયા (ઉં.વ. ૧૯, રહે. પંચાસીયા, તા. વાંકાનેર, જી. મોરબી) ને અટકાયતમાં લીધો હતો. તેની આગવી ઢબે પૂછપરછ કરતા રાજકોટ શહેરમાંથી અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી થયેલા પાંચ બાઈકનો ભેદ ઉકેલાયો હતો.
અંદાજે ૨ લાખની કિંમતના ૫ સ્પ્લેન્ડર બાઈક રિકવર કરાયા
પોલીસે આરોપી પાસેથી નંબર પ્લેટ વગરના કુલ ૫ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબજે કર્યા છે, જેની વિગત નીચે મુજબ છે:
• બાઈક ૧: કુવાડવા રોડ, રણછોડનગર શેરી નં. ૫/૧૫ ના ખૂણા પાસેથી ચોરાયેલ સ્પ્લેન્ડર (નં. GJ-03-LE-3612), કિંમત રૂ. ૩૦,૦૦૦/-
• બાઈક ૨: રાજકોટ પેડક રોડ, સદગુરૂ જ્યોત કોમ્પ્લેક્સ પાણીના ઘોડા પાસેથી ચોરાયેલ બાઈક, કિંમત રૂ. ૫૦,૦૦૦/-
• બાઈક ૩: રાજકોટ હોસ્પિટલ ચોક, ભીમરાવ આંબેડકર બ્રિજ નીચે જામનગર રોડ પરથી ચોરાયેલ બાઈક, કિંમત રૂ. ૪૦,૦૦૦/-
• બાઈક ૪: રાજકોટ હોસ્પિટલ ચોક બ્રિજ નીચેથી જ ચોરાયેલ અન્ય એક સ્પ્લેન્ડર, કિંમત રૂ. ૪૦,૦૦૦/-
• બાઈક ૫: રાજકોટ પારેવડી ચોક નજીકથી ચોરી થયેલું બાઈક, કિંમત રૂ. ૪૦,૦૦૦/-
રાજકોટ શહેરના ૩ ગુનાઓ ડીટેક્ટ થયા
આ પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન રાજકોટ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુના (BNS કલમ ૩૦૩(૨)) અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ગુનો મળીને કુલ ૩ ગુનાઓ સત્તાવાર રીતે ડીટેક્ટ કરવામાં આવ્યા છે.
આ સફળ કામગીરી ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ ચોરીમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ.
