રાષ્ટ્રીય

ગુજરાત હાઈકોર્ટની લાલઆંખ: “તપાસ અધિકારીઓ કોર્ટમાં પેલા ‘મેસેન્જર’ જેવા બની ગયા છે!” પોલીસની નબળી કામગીરીથી હત્યાના આરોપીને મળ્યા જામીન

ગુજરાત હાઈકોર્ટની લાલઆંખ: “તપાસ અધિકારીઓ કોર્ટમાં પેલા ‘મેસેન્જર’ જેવા બની ગયા છે!” પોલીસની નબળી કામગીરીથી હત્યાના આરોપીને મળ્યા જામીન

પોલીસ સ્ટેશનમાં ગુનાના કાગળો અને તપાસની ફાઇલો સાચવતા અધિકારીઓ જ્યારે હાઈકોર્ટના કઠેડામાં ઊભા રહે છે, ત્યારે તેમની અસલિયત કેવી ખુલ્લી પડી જાય છે તેનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! ગુજરાત હાઈકોર્ટે પોલીસ તપાસ અને તપાસ અધિકારીઓ (IO) ની ઢીલી નીતિ સામે આકરા પ્રહારો કર્યા છે. કોર્ટે લાલઆંખ કરતા સ્પષ્ટ કહ્યું કે, અધિકારીઓ વગર કાગળે કોર્ટમાં હાજર રહે છે અને સરકારી વકીલને મદદ કરવાના બદલે કોન્સ્ટેબલ કે રાઈટરના ભરોસે બેસી રહે છે. આ નબળી તપાસના કારણે જ આખરે એક ગંભીર હત્યા કેસના આરોપીને પણ હાઈકોર્ટે જામીન આપવા પડ્યા છે.

  • જસ્ટિસ હસમુખ ડી. સુથારની કોર્ટમાં લાલઆંખ: એક હત્યા કેસની નિયમિત જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હતી, જેની આગેવાની જસ્ટિસ હસમુખ ડી. સુથારે કરી હતી. સુનાવણી દરમિયાન સરકારી પક્ષ અને પોલીસની ગંભીર બેદરકારી ખુલ્લી પડી હતી. ત્રીજી વખત સુનાવણી આવી હોવા છતાં જવાબદાર તપાસ અધિકારી ફરજીયાત હાજર રહેવાના બદલે ગેરહાજર રહ્યા હતા અને દર વખતે “અધિકારીની બદલી થઈ ગઈ છે” તેવું ઘસાએલું બહાનું આગળ ધરવામાં આવ્યું હતું.
  • કોર્ટમાં અધિકારી નહીં, માત્ર ‘મેસેન્જર’ કોન્સ્ટેબલ હાજર: કોર્ટમાં તપાસ અધિકારીના બદલે માત્ર એક કોન્સ્ટેબલ હાજર રહ્યા હતા, જેઓ સરકારી વકીલ (APP) ને કેસના પુરાવા સમજાવવામાં કે યોગ્ય મદદ કરવામાં સંપૂર્ણપણે અસમર્થ સાબિત થયા હતા. કોર્ટે નારાજગી વ્યક્ત કરતા નોંધ્યું હતું કે કોન્સ્ટેબલ માત્ર એક મેસેન્જર જેવા બનીને રહી જાય છે અને તેમને તપાસના મૂળ દસ્તાવેજો કે કાગળો વિશે કોઈ પૂરતું જ્ઞાન હોતું નથી.
  • સોડિયમ પાવડર ખવડાવી લાશના ટુકડા કરવાનો હતો આક્ષેપ, છતાં પુરાવા શૂન્ય: આ કેસમાં મોરબી ખાતે સોડિયમ પાવડર ખવડાવીને હત્યા કરવા અને બાદમાં લાશના ટુકડા કરીને દાટી દેવા જેવા અત્યંત ગંભીર આક્ષેપો હતા (કલમ 302, 328, 201 વગેરે મુજબ ગુનો નોંધાયો હતો). પરંતુ જ્યારે કોર્ટે સરકારી વકીલને પૂછ્યું કે આરોપી સામે નક્કર પુરાવા શું છે, ત્યારે સરકારી પક્ષ કોઈ મજબૂત ફોજદારી સામગ્રી રજૂ કરી શક્યો નહીં. એટલું જ નહીં, પ્રોસિક્યુશને 74 સાક્ષીઓ દર્શાવ્યા હોવા છતાં આજદિન સુધી એક પણ સાક્ષીની તપાસ કરી ન હતી.
  • ખામીયુક્ત તપાસના કારણે આરોપીને મળી રાહત: કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું હતું કે, જો પ્રોસિક્યુશન કેસ વહેલી તકે ચલાવવા માટે ઉત્સુક જ ન હોય, તો તેને ગુનાના ગુણદોષના આધારે જામીનનો વિરોધ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી. માત્ર શંકાના આધારે કોઈને અનિશ્ચિત સમય સુધી જેલમાં રાખી શકાય નહીં. પોલીસની ખામીયુક્ત તપાસ અને કોર્ટમાં નબળી સહાયના કારણે આખરે હાઈકોર્ટે શરતોને આધીન આરોપીની જામીન અરજી મંજૂર કરી દીધી છે.
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder