બાપ્પાના આગમન સાથે જ મોરબી જિલ્લાભરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે, ત્યારે ગણપતિ વિસર્જનને લઈને વહીવટી તંત્ર દ્વારા એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. પર્યાવરણ અને કુદરતી જળસ્ત્રોતોને પ્રદૂષિત થતા અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નવા નિયમ મુજબ હવે મોરબી જિલ્લામાં મનસ્વી રીતે નદી, ડેમ કે તળાવોમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે નહીં. જો નિયમોનું ઉલ્લંઘન થશે તો સીધી કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે!

પર્યાવરણની રક્ષા માટે મોટું પગલું: દર વર્ષે ગણેશ મહોત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP), સિન્થેટિક સામગ્રી અને કેમિકલયુક્ત રંગોથી બનેલી મૂર્તિઓનું પાણીમાં વિસર્જન થવાથી પાણી ભારે માત્રામાં પ્રદૂષિત થાય છે. કેન્દ્રીય અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઇડલાઇન તેમજ સર્વોચ્ચ અદાલતના આદેશોને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં આ કડક આદેશો જારી કરાયા છે.
કઈ કઈ બાબતો પર રહેશે સંપૂર્ણ પ્રતિબંધ?
- જિલ્લાના કોઈપણ ડેમ, તળાવ, નદી, કુવા કે સમુદ્રમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા પર સખત પ્રતિબંધ છે.
- પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) અને કેમિકલયુક્ત રંગોવાળી મૂર્તિઓનું નિર્માણ, વેચાણ અને સ્થાપન પણ નિયમોના ઘેરામાં રહેશે.
- મૂર્તિ વિસર્જન માટે સ્થાનિક સક્ષમ સત્તામંડળે અગાઉથી જે વિશેષ સ્થળો (કૃત્રિમ કુન્ડ વગેરે) સુનિશ્ચિત કર્યા હોય, માત્ર ત્યાં જ વિસર્જન કરવાનું રહેશે.
સરઘસ અને રૂટ માટે પણ નિયમો જારી: વિસર્જન કે અન્ય કોઈપણ ધાર્મિક સરઘસ કાઢતા પહેલા સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય છે. ઉપરાંત, તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવેલો રૂટ જ અનુસરવાનો રહેશે; કોઈપણ આયોજક મનસ્વી રીતે રૂટ બદલી શકશે નહીં.