ખેડા:
વાત્રક નદીના કિનારે આવેલો અને પોતાના અદભુત ઈતિહાસ માટે જાણીતો ૧૫મી સદીનો ‘રોજારોજી મકબરો’ આજે તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બન્યો છે. તાજેતરમાં આ રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારકની છતનો એક મોટો હિસ્સો અચાનક ધરાશાયી થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ચોમાસાના ભેજ અને વર્ષોથી સમારકામ ન થવાને કારણે આ ઐતિહાસિક વારસો હવે તૂટી રહ્યો છે.
શું છે આ મકબરાનો રસપ્રદ ઈતિહાસ?

- મુહમ્મદ બેગડાનો યુગ: આ સ્મારક ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના શાસનકાળ (ઈ.સ. ૧૪૫૮-૧૫૧૧) દરમિયાન બનાવવામાં આવ્યું હતું. તે તેની અનોખી ઈન્ડો-ઈસ્લામિક આર્કિટેક્ચર શૈલી માટે જાણીતું છે.
- ગણતરી ન થઈ શકતી ઈંટોનું રહસ્ય: સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં એક લોકવાયકા ખૂબ પ્રખ્યાત છે કે આ મકબરાની ઈંટો કોઈ ક્યારેય સાચી રીતે ગણી શકતું નથી! જો કોઈ બે વાર ઈંટો ગણે, તો બંને વાર આંકડો અલગ જ આવે છે.

- વાત્રક કિનારે સુંદરતા: નદીના શાંત કિનારે આવેલી આ મસ્જિદ અને રોજાનો ગુંબજ સ્થાપત્ય કળાનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે.
જાનહાનિ ટળી, પણ વારસો જોખમમાં: - ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટો અકસ્માત ટળ્યો છે. જોકે, પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા જો તાત્કાલિક ધોરણે આ ‘રહસ્યમય રોજારોજી’નું સમારકામ હાથ ધરવામાં નહીં આવે, તો ગુજરાત પોતાની એક અનમોલ ઐતિહાસિક ધરોહર કાયમ માટે ગુમાવી દેશે.