થાનગઢ:
રાજકોટ રેન્જમાં નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે શરૂ કરવામાં આવેલી ખાસ ડ્રાઇવ અંતર્ગત સુરેન્દ્રનગર પેરોલ ફ્લો સ્ક્વોડને એક મોટી સફળતા મળી છે. થાનગઢ પોલીસ સ્ટેશનના એક વર્ષ જૂના પ્રોહિબિશન (દારૂબંધી)ના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને પોલીસે થાનગઢ ગામ ખાતેથી દબોચી લીધો છે.
ખાસ ડ્રાઇવ અંતર્ગત થઈ કાર્યવાહી
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ (IPS) દ્વારા રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે તા. ૧૧/૦૬/૨૦૨૬ થી તા. ૨૧/૦૬/૨૦૨૬ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ (IPS) ના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.એચ. સીંગરખીયા અને પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.એ. રાયમાએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.
ચોક્કસ બાતમીના આધારે આરોપી ઝડપાયો
ગઈકાલે તા. ૧૮/૦૬/૨૦૨૬ ના રોજ પેરોલ ફ્લો સ્ક્વોડ સુરેન્દ્રનગરની ટીમ થાનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ નાનજીભાઈ રાઠોડને ટેકનિકલ સોર્સીસ અને હ્યુમન સોર્સીસની મદદથી એક ચોક્કસ બાતમી મળી હતી. આ હકીકતના આધારે પોલીસે થાનગઢ પ્રેમ પોટરી પાછળ રહેતા આરોપી કેતનભાઈ ઉર્ફે મલમ વિરજીભાઈ પરમારને થાનગઢ ગામ ખાતેથી હસ્તગત કરી લીધો છે.
પકડાયેલો આરોપી થાનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુના રજિસ્ટર નંબર ૦૧૬૪/૨૦૨૫, પ્રોહિ. કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો. પોલીસે આરોપીનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પીઆઈ શ્રી બી.એચ. સીંગરખીયા, પીએસઆઈ શ્રી એન.એ. રાયમા, હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ નાનજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જોરૂભા જોડાયા હતા.
