મોરબી:
મોરબી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ડ્રાઇવ અંતર્ગત મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને એક મોટી સફળતા મળી છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જમીન પચાવી પાડવાના (લેન્ડ ગ્રેબિંગ) ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતો-ફરતો આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે.
ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના શ્રી ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ દ્વારા નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જે અન્વયે મોરબી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતી.
આ દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડના HC જયેશભાઈ વાઘેલા તથા PC કૌશિકભાઈ મણવરને સંયુક્ત રીતે ખાનગી રાહે એક ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળી હતી. બાતમી મળી હતી કે ટંકારા પોલીસ સ્ટેશનના ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ ૩, ૪(૧), (૩), ૫(ગ) મુજબના ગુનાનો નાસતો-ફરતો આરોપી વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં આરીફભાઈ મોગલના રહેણાંક મકાને આવેલ છે.
દરોડો પાડી આરોપીને દબોચી લેવાયો
બાતમીવાળી જગ્યાએ પોલીસે તુરંત જ સ્ટાફ સાથે રેડ કરી તપાસ હાથ ધરતા આરોપી મળી આવ્યો હતો. પોલીસે આરોપી અલ્તાફ અલીશા સરવદી (ફકીર) (ઉંમર વર્ષ ૨૯, રહે. ટંકારા, જીવાપર શેરી, હાલ રહે. રાજકોટ ભવાની ચોક, દેવપરા શેરી નં. ૩) ને ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
કામગીરી કરનાર ટીમ
આ સફળ ઓપરેશન મોરબી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.સી.ગોહીલ, પો.સબ.ઇન્સ. શ્રી બી.ડી.ભટ્ટ, પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સબ.ઇન્સ. શ્રી વી.જી.માલાણી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવ્યું હતું.
