ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ સતત એક્શન મોડમાં છે, ત્યારે વાંકાનેર પંથકમાં SMCની ટીમે એક મોટું ઓપરેશન પાર પાડીને વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે, જેમાં ગતરાત્રીના વાંકાનેર શહેર નજીક વઘાસિયા ટોલનાકા પાસેથી એક ટ્રકમાં ગુપ્ત ચોરખાનું બનાવીને ઘુસાડવામાં આવતો અલગ અલગ બ્રાંડના ભારતીય બનાવટના પરપ્રાંતિય 180 મીલીના ચપલાની 600 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે….
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પંજાબીથી મોરબી તરફ જવાનો હોય, જેના આધારે એસ.એમ.સી. ટીમે વઘાસિયા ટોલનાકા નજીક ફિલ્ડિંગ ગોઠવી હોય, દરમ્યાન બાતમીવાળો શંકાસ્પદ ટ્રક નં. NL 01 AC 2118. પસાર થતાં પોલીસે તેને કોર્ડન કરીને અટકાવ્યો હતો….
સામાન્ય તપાસમાં કંઈ જ શંકાસ્પદ ન લાગતા પોલીસે ટ્રકની સઘન તલાશી લીધી હતી, દરમિયાન ટુ વ્હીલર વાહનોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતાં બંધ બોડીના ટ્રકના ઠાઠાના ભાગે એક ગુપ્ત ‘ચોરખાનું’ (કમ્પાર્ટમેન્ટ) મળી આવ્યું હતું. આ ચોરખાનાને તોડીને તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની પેટીઓનો ખડકલો જોવા મળ્યો હતો. જેમાં એસએમસીએ ટ્રકમાંથી કુલ 28,912 નંગ વિદેશી દારૂના ચપલા (600 પેટી, કિંમત રૂ. 55,74528)નો જથ્થા સાથે ટ્રક ચાલક આરોપી અચલારામ રાજુરામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન)ની વિદેશી દારૂ, ટ્રક તથા મોબાઇલ સહિત કુલ રૂ. 80,86,098 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
