સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં ચોરી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમોને પકડી પાડવા આપેલી કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. (Special Operations Group) ની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. SOG પોલીસે જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ પાડીને ભંગારના ડેલામાંથી કોઈ પણ આધાર-પુરાવા વગરના કોમર્શિયલ ગેસના સિલિન્ડરોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પેટ્રોલિંગ દરમિયાન મળી સચોટ બાતમી
SOG સ્ટાફના માણસો જ્યારે જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મીતભાઇ દિલીપભાઇને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળી હતી કે, રતનપર મેક્સન બાયપાસ રોડ પર આવેલી રજવાડું હોટલની પાછળ અશોકભાઇ ભરવાડ પોતાના કબ્જા ભોગવટાના વાડામાં (ભંગારના ડેલામાં) ગેરકાયદેસર રીતે આધાર-પુરાવા વગર શંકાસ્પદ હાલતમાં ગેસના સિલિન્ડરો રાખ્યા છે.
બાતમીના આધારે SOG ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્થળ પર એક ઇસમ હાજર મળી આવ્યો હતો, જેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અશોકભાઇ કાનાભાઇ કાવેટીયા (જાતે: ભરવાડ, ઉંમર વર્ષ ૪૫, રહે. રતનપર બાયપાસ રોડ, મહાકાળી હોટલ પાછળ, સુખશાંતિ સોસાયટી, તા. વઢવાણ, જી. સુરેન્દ્રનગર) હોવાનું જણાવ્યું હતું.
૭૪ કોમર્શિયલ સિલિન્ડર અને ૧.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે મજકુર ઇસમને સાથે રાખીને ભંગારના ડેલાની ઝીણવટભરી તલાશી લેતા ત્યાંથી ભારત ગેસના ૧૯ કિલોના કોમર્શિયલ કુલ ૭૪ નંગ સિલિન્ડર મળી આવ્યા હતા. આ જથ્થા પૈકી:
- ૦૮ સિલિન્ડર ગેસથી ભરેલા હતા.
- ૬૬ સિલિન્ડર ખાલી હાલતમાં હતા.
આ ગેસના બોટલો રાખવા અંગે જ્યારે પોલીસે કાયદેસરના આધાર-પુરાવા કે પાસ-પરમિટ માંગ્યા, ત્યારે આરોપી કોઈ પણ પુરાવો રજૂ કરી શક્યો ન હતો. આથી પોલીસે કુલ રૂપિયા ૧,૮૬,૯૦૦/- ની કિંમતના ૭૪ નંગ ગેસ સિલિન્ડરનો મુદ્દામાલ શંકાસ્પદ ગણી જપ્ત કર્યો હતો.
જોરાવરનગર પોલીસ સ્ટેશને સોંપાયો આરોપી
ગેરકાયદેસર રીતે મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરવા બદલ SOG પોલીસે આરોપી અશોકભાઇ ભરવાડની BNSS કલમ ૧૦૬ મુજબ અટકાયત કરી છે. આ મામલે આગળની કાયદેસરની વધુ કાર્યવાહી કરવા માટે આરોપી અને જપ્ત કરાયેલા મુદ્દામાલને જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
