નવી દિલ્હી
દેશમાં વર્ષ ૨૦૧૭માં લાગુ કરાયેલી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પ્રણાલીમાં અત્યાર સુધીનો સૌથી મોટો માળખાકીય ફેરફાર લાવવા માટે આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ખાસ કરીને રિટર્ન ફાઈલિંગ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) અને રિફંડ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા સાથે જીએસટી હેઠળના અપરાધોને ક્રિમિનલ લો (ફોજદારી કાયદા) ના દાયરામાંથી બહાર કાઢવા અંગે ગંભીર મંથન ચાલી રહ્યું છે. આ ઉપરાંત ટેક્સચોરીના કેસોમાં ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માટેની મર્યાદા હાલના ₹૧ કરોડથી વધારીને સીધી ₹૫ કરોડ કરવાનો મોટો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

ધરપકડની સત્તા હટાવવા સામે ગુજરાત સહિતના રાજ્યોનો વિરોધ
કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી સંબંધી ગુનાઓને ડિ-ક્રિમિનલાઇઝ કરવા અને અધિકારીઓની સીધી ધરપકડ કરવાની સત્તા પાછી ખેંચવા અંગે વિચારણા ચાલી રહી છે, ત્યારે દેશમાં સૌથી વધુ જીએસટી કલેક્શન આપતા ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા અગ્રણી રાજ્યોએ આ પ્રસ્તાવનો આકરો વિરોધ નોંધાવ્યો છે. રાજ્યોનું સ્પષ્ટ માનવું છે કે બોગસ બિલિંગ અને નકલી આઈટીસી (ITC) ના મોટા નાણાકીય કૌભાંડો આચરતા અસામાજિક તત્વો સામે કડક કાનૂની સત્તા અને ધરપકડની જોગવાઈ અનિવાર્ય છે. આવા મોટા આર્થિક ગોટાળાઓને સામાન્ય સિવિલ ગુનો ગણવાને બદલે ક્રિમિનલ ગુના સમકક્ષ જ રાખવા જોઈએ તેવી માંગ રાજ્યોએ બુલંદ કરી છે.
૨૦૧૭ પછીનો સૌથી મોટો માળખાકીય સુધારો
છેલ્લા નવ મહિનાથી વિવિધ રાજ્યો વચ્ચે થયેલી બેઠકો અને વર્કિંગ ગ્રુપ્સની ચર્ચા બાદ આ સુધારાનો એજન્ડા તૈયાર કરવામાં આવ્યો છે. કાઉન્સિલનું માનવું છે કે હાલમાં જે વિવાદો અને લિટીગેશન થઈ રહ્યા છે તેમાં માત્ર ૧ થી ૨ ટકા જેટલા વેપારી-ઉદ્યોગ એકમો જ સંડોવાયેલા છે. આવા મુઠ્ઠીભર લોકોના કારણે ૯૮ ટકા પ્રમાણિક કરદાતાઓ પર જટિલ નિયમોનો બોજ લાદવો અયોગ્ય છે.
વેપારીઓને શું રાહત મળશે?
- સરળ રિફંડ અને આઈટીસી: અન્ય રાજ્યોમાં આઈટીસીનો ઉપયોગ અને રિફંડ પ્રક્રિયા વધુ ઝડપી બનશે, જેથી વેપારીઓની વર્કિંગ કેપિટલ (કાર્યકારી મૂડી) લાંબો સમય અટવાઈ ન રહે.
- માનવીય હસ્તક્ષેપ ઘટશે: જીએસટી સિસ્ટમને સંપૂર્ણ ટેકનોલોજી આધારિત બનાવવામાં આવશે, જેથી ભ્રષ્ટાચાર અને મુશ્કેલીઓમાં ઘટાડો થાય.
- યુપીઆઈ ચાર્જ પર સ્પષ્ટતા: યુપીઆઈ વ્યવહારો સાથે સંકળાયેલા જીએસટી ટેક્સ અંગે પણ આ બેઠકમાં આખરી નિર્ણય લેવાય તેવી પૂરી શક્યતા છે.
આ બેઠકના નિર્ણયો દેશના કરોડો વેપારીઓ, ઉદ્યોગકારો અને અર્થતંત્રની ગતિવિધિઓ પર સીધી અસર પાડશે.