જૂનાગઢ પોલીસ ડાયરી

જૂનાગઢ: ઇકો કારમાં ‘ચોરખાનું’ બનાવી ગોવાથી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે ૪.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જૂનાગઢ: ઇકો કારમાં ‘ચોરખાનું’ બનાવી ગોવાથી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે ૪.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જૂનાગઢ:

રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. જૂનાગઢના જોષીપરા વિસ્તારના એક બુટલેગરે પોલીસથી બચવા માટે ઇકો કારમાં ખાસ ‘ચોરખાના’ બનાવ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતા સામે તેની આ કરામત નિષ્ફળ સાબિત થઈ છે.

શું હતો સમગ્ર મામલો?

જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ દારૂની પ્રવૃત્તિ ડામવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન પી.આઈ. કૃણાલ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.કે. ગઢવી અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, હર્ષદનગરમાં રહેતો શાહરૂખ ઇર્શાદ પરમાર પોતાની ઇકો કાર (નંબર: GJ-11-CL-8440) માં ગુપ્ત ખાના બનાવી ગોવાથી વિદેશી દારૂ લાવીને વેચાણ કરી રહ્યો છે.

કારના બોનેટ અને બમ્પરમા છુપાવ્યો હતો દારૂ

બાતમીના આધારે પોલીસે અલઅક્સા રેસીડેન્સી પાસે તપાસ હાથ ધરતા શંકાસ્પદ ઇકો કાર મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લાવી ગાડીની ઝીણવટભરી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરે દારૂ છુપાવવા માટે:

• ગાડીના બોનેટમાં ખાનું બનાવ્યું હતું.

• દરવાજાના અને સાઈડના પડિયાનો ઉપયોગ કર્યો હતો.

• આગળ અને પાછળના બમ્પરની અંદર પણ દારૂની બોટલો સંતાડી હતી.

કુલ ૪.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ ૨૯૮ બોટલો (કિંમત રૂ. ૧,૨૧,૮૭૨/-) મળી આવી હતી. દારૂ, કાર અને અન્ય સાહિત્ય મળી કુલ રૂ. ૪,૩૧,૮૭૨/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ કાર્યવાહી

આ મામલે પોલીસે શાહરૂખ પરમારની અટકાયત કરી જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં અન્ય આરોપીઓ યાસીન ઉર્ફે રાજુ રફીકભાઈ પરમાર અને ગોવાના પાતરામ નામના શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder