જમીન વિવાદમાં પિતા-પુત્રની નિર્મમ હત્યા કરનારા બે સગા ભાઈઓને પોલીસે હથિયારો સાથે દબોચ્યા.
મેઘપર (ઝાલા) ગામના ચર્ચાસ્પદ ડબલ મર્ડર કેસના બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ટંકારા પોલીસ
ટંકારા:
ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) ગામે ગત તારીખ ૯ જૂનના રોજ જમીન માપણીના વિવાદમાં થયેલા ચકચારી ડબલ મર્ડરના ગુનાના બંને આરોપીઓને ટંકારા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી તીક્ષ્ણ છરીઓ અને બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મેઘપર (ઝાલા) ગામે રહેતા ફરિયાદી દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા, તેમનો દીકરો હર્ષવર્ધનસિંહ (ઉં.વ. ૨૨) અને ભાઈ જયપાલસિંહ (ઉં.વ. ૪૦) ખારાના માર્ગે આવેલી પોતાની વાડીએ જમીનની માપણી કરાવી રહ્યા હતા. આ સમયે બાજુની જમીન ધરાવતા મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને પણ ત્યાં જાણ કરીને બોલાવવામાં આવ્યા હતા.
માપણી ચાલી રહી હતી તે દરમિયાન મોટરસાયકલ પર આવેલા મહાવિરસિંહ અને તેજપાલસિંહે ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના પુત્ર હર્ષવર્ધનસિંહ અને ભાઈ જયપાલસિંહ પર તીક્ષ્ણ હથિયાર (છરી) વડે આડેધડ અસંખ્ય ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં બંનેના કરુણ મોત નીપજ્યા હતા અને આરોપીઓ ગુનો આચરીને બાઇક પર નાસી છૂટ્યા હતા.
પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઓપરેશન પાર પાડ્યું
આ ગંભીર અને ચર્ચાસ્પદ ડબલ મર્ડરની ઘટનાને પગલે સરહદ રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા અને મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે આરોપીઓને તુરંત પકડી પાડવા કડક સૂચના આપી હતી. વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી.ઝાલા અને પીએસઆઈ જે.કે.રાણા સહિતના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે હ્યુમન સોર્સ અને ચોક્કસ બાતમીના આધારે તારીખ ૧૦ જૂનના રોજ બંને આરોપીઓને દબોચી લીધા હતા.
પકડાયેલા આરોપીઓનાં નામ:
૧. તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉં.વ. ૪૦)
૨. મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉં.વ. ૩૨)
(રહે. બંને- મેઘપર (ઝાલા), તા. ટંકારા, જી. મોરબી)
કબજે કરાયેલો મુદ્દામાલ:
• હત્યાના ગુનામાં વાપરેલી તીક્ષ્ણ છરી (નંગ-૦૨)
• હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (GJ-36-D-3272) – કિંમત રૂ. ૨૦,૦૦૦/-
• હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (GJ-03-DB-4180) – કિંમત રૂ. ૨૦,૦૦૦/-
• અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન (નંગ-૦૨) – કિંમત રૂ. ૧૦,૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ કામગીરી ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા, પીએસઆઈ જે.કે.રાણા તથા ટંકારા પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી પાડી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.
