gujarat

મોટો નિર્ણય: હવે સાબુ, શેમ્પુ અને ટૂથપેસ્ટ પર પણ લાગશે વેજ-નોનવેજનું લાલ-લીલું નિશાન, સરકારે નિયમો બદલ્યા

મોટો નિર્ણય: હવે સાબુ, શેમ્પુ અને ટૂથપેસ્ટ પર પણ લાગશે વેજ-નોનવેજનું લાલ-લીલું નિશાન, સરકારે નિયમો બદલ્યા

Veg Non Veg Label

નવી દિલ્હી:

દેશમાં અત્યાર સુધી માત્ર ખાદ્ય પદાર્થો (Food Products) પર જ શાકાહારી અને માંસાહારીની ઓળખ માટે લીલા અને લાલ રંગના ચિન્હો જોવા મળતા હતા. પરંતુ હવે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક અને મોટો કાયદાકીય સુધારો કર્યો છે. રોજિંદા જીવનમાં ઘરમાં વપરાતા સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, ક્રીમ, લોશન સહિતના તમામ કોસ્મેટિક અને પર્સનલ કેર ઉત્પાદનોમાં પણ હવે વેજ-નોનવેજ (લાલ-લીલા રંગના પ્રતીકો) દર્શાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે પેકેજિંગ કાનૂનમાં સુધારો કરી આ નવા નિયમોનો તાત્કાલિક અસરથી અમલ શરૂ કરી દીધો છે.

પ્રાણીઓની ચરબીના ઉપયોગના વિવાદો બાદ સરકારની લાલ આંખ

છેલ્લા કેટલાક સમયથી રોજિંદા વપરાશની વસ્તુઓ અને બ્યુટી પ્રોડક્ટ્સમાં પ્રાણીઓની ચરબી (Animal Fat) તથા નોન-વેજ ઘટકોનો ઉપયોગ થતો હોવાની વ્યાપક ફરિયાદો અને વિવાદો સામે આવી રહ્યા હતા. અનેક જાણીતી બ્રાન્ડ્સના પ્રોડક્ટ્સમાં વપરાતા કાચા માલ અંગે ગ્રાહકો અંધારામાં રહેતા હતા. ખાસ કરીને જે લોકો ચુસ્ત શાકાહારી છે કે ધાર્મિક માન્યતાઓનું પાલન કરે છે, તેમના માટે આવા ઉત્પાદનોની અસલિયત પારખવી અત્યંત અઘરી બની જતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

પેકિંગ ઉપરાંત ટીવી એડ અને પ્રમોશનમાં પણ દર્શાવવું પડશે

નવા સુધારેલા નિયમ અનુસાર, હવે ઉત્પાદક કંપનીઓએ માત્ર બોટલ કે રેપર પર જ આ નિશાન છાપવાનું રહેશે નહીં, પરંતુ ટેલિવિઝન જાહેરાતો, હોર્ડિંગ્સ, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા કે પ્રમોશનલ ઇવેન્ટ્સ દરમિયાન પણ પ્રોડક્ટનું સ્ટેટસ (વેજ કે નોન-વેજ) સ્પષ્ટપણે જાહેર કરવું પડશે. જો કોઈ પ્રોડક્ટમાં કોઈપણ પ્રકારના પ્રાણી સ્ત્રોતમાંથી મેળવેલા ઘટકો કે ચરબીનો અંશ હશે, તો તેના પર લાલ રંગનું ચોરસ/ગોળ નિશાન (Non-Veg Mark) દર્શાવવું પડશે. જ્યારે સંપૂર્ણ વનસ્પતિજન્ય પ્રોડક્ટ પર લીલું નિશાન (Veg Mark) ફરજિયાત રહેશે.

ગ્રાહકોને ઘટકો વાંચવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ

અત્યાર સુધી ઉત્પાદનોના પાછળના ભાગમાં અત્યંત ઝીણા અક્ષરોમાં કેમિકલ અને સાયન્ટિફિક નામોમાં ઈન્ગ્રેડિયન્ટ્સ (ઘટકો) લખેલા હોવાથી સામાન્ય ગ્રાહક એ સમજી શકતો નહોતો કે તેમાં પ્રાણીજ ચરબી છે કે નહીં. હવે પેકેટના આગળના ભાગમાં જ સ્પષ્ટ માર્કિંગ હોવાથી ગ્રાહક માત્ર એક નજરે જોઈને જ પોતાની પસંદગી મુજબ ખરીદીનો નિર્ણય લઈ શકશે.

નવા માલ પર કડક અમલ, નિયમભંગ પર દંડ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે કાયદાના અમલની તારીખ બાદ ફેક્ટરીઓમાંથી બહાર આવતા તમામ નવા લોટ અને પ્રોડક્ટ્સ પર આ નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. જો કોઈ કંપની નિયમોનું ઉલ્લંઘન કરશે કે ગેરમાર્ગે દોરતી માહિતી આપશે, તો તેમની સામે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ આકરી કાયદેસરની કાર્યવાહી અને દંડ ફટકારવામાં આવશે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder