
ટંકારા નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે પત્રકારત્વ ક્ષેત્રે જાણીતા જયેશ ભટાસણાએ વોર્ડ નં. 1, ક્રમાંક 4 થી ઉમેદવારી નોંધાવી રાજકીય મેદાનમાં એન્ટ્રી કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને મેદાનમાં ઉતારવામાં આવતા સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. જયેશ ભટાસણાએ પોતાના સંદેશમાં જણાવ્યું કે, તેઓ લાંબા સમયથી પત્રકાર તરીકે નિષ્પક્ષ રીતે પ્રજાના પ્રશ્નોને અવાજ આપતા આવ્યા છે અને હવે તે જ પ્રશ્નોના ઉકેલ માટે આયોજનબદ્ધ રીતે કાર્ય કરવા મેદાનમાં આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પત્રકાર તરીકેની નિષ્પક્ષતા જાળવી રાખીને પ્રજાની વેદના અને સંવેદનાને આગળ પણ વાચા આપતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે ટંકારા વિસ્તારના અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો જેમ કે એમ્બ્યુલન્સ સેવા, આરોગ્ય રથ, બસ સ્ટેન્ડની સુવિધાઓ, ખરાબ રસ્તાઓ, સૌની યોજનાનું પાણી, SBI બેંકમાં કેશ ડિપોઝિટ મશીન અને ફાયર બ્રિગેડ માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે પ્રક્રિયા ચાલુ છે. આ પ્રશ્નો ઉકેલવામાં સ્થાનિક નેતૃત્વ અને સરકાર સાથે સંકલન દ્વારા સફળતા મળી રહી છે.
જયેશ ભટાસણાએ તાલુકા વાસીઓને અપીલ કરી છે કે તેઓ પક્ષ-વિપક્ષ ભૂલીને એક સચ્ચા સેવક તરીકે તેમને સમર્થન આપે. “આંદોલન નહીં, હવે આયોજન દ્વારા વિકાસ” ના સૂત્ર સાથે તેઓએ જનસેવામાં આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2007થી તેઓ પ્રજાના પ્રશ્નો માટે સતત લડતા આવ્યા છે અને હવે આયોજનબદ્ધ રીતે સેવા આપી “સાચો સેવક” કોણ હોય તે સાબિત કરવાની તક આવી છે.

આ પ્રસંગે તેમણે તમામ ટંકારા નગરજનોને 11:00 વાગ્યે લતીપર ચોકડી ખાતે ઉપસ્થિત રહી ઉમેદવારી નોંધાવવાના પ્રસંગે સાક્ષી બનવા આમંત્રણ આપ્યું હતું.
અંતમાં તેમણે વાચકો અને જનતાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે “આ સ્થાન આપના પ્રેમ અને વિશ્વાસના કારણે જ મળ્યું છે.” ટંકારા નગરપાલિકાની ચૂંટણીમાં પત્રકારના પ્રવેશથી હવે રાજકીય સમીકરણોમાં નવા વળાંક આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
