મોરબી

દેરાડાથી અયોધ્યા સુધી ૨૮૪૧ કિમીની અદભૂત પદયાત્રા પૂર્ણ ઉપસરપંચ જેન્તિલાલ ભીંસડિયાનું વાંકાનેરમાં ભવ્ય સન્માન

દેરાડાથી અયોધ્યા સુધી ૨૮૪૧ કિમીની અદભૂત પદયાત્રા પૂર્ણ ઉપસરપંચ જેન્તિલાલ ભીંસડિયાનું વાંકાનેરમાં ભવ્ય સન્માન

“૨૮ દિવસ સુધી સતત પગપાળા યાત્રા કરી શ્રી રામલલ્લાના દર્શનનો દિવ્ય લાભ મેળવ્યો; ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને ભગવાન શ્રીરામનો આશીર્વાદરૂપ ફોટો અર્પણ”

વાંકાનેર તાલુકાના દેરાડા ગામના ઉપસરપંચ જેન્તિલાલ ગણેશ ભાઈ ભીંસડિયાએ અડગ શ્રદ્ધા, અવિચળ સંકલ્પ અને ભગવાન શ્રીરામ પ્રત્યેની અખંડ ભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે દેરાડાથી અયોધ્યા સુધીની આશરે ૨૮૪૧ કિલોમીટરની પદયાત્રા માત્ર ૨૮ દિવસમાં પૂર્ણ કરીને ભગવાન શ્રી રામલલ્લાના પવિત્ર દર્શનનો લાભ મેળવ્યો હતો.અયોધ્યામાં શ્રી રામલલ્લાના દર્શન કર્યા બાદ તેઓ આજે વતન પરત ફર્યા હતા. આ પ્રસંગે તેમણે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને ભગવાન શ્રીરામનો પવિત્ર ફોટો આશીર્વાદરૂપે અર્પણ કર્યો હતો. ધારાસભ્યએ આ ધાર્મિક ભેટને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી, જે સમગ્ર વિસ્તારમાં આસ્થા અને સંસ્કૃતિનું પ્રતિક બની રહી.

આ અવસરે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જેન્તિલાલ ગણેશભાઈ ભીંસડિયાનું શાલ ઓઢાડી સન્માન કર્યું અને તેમની આ અદભૂત પદયાત્રાની સરાહના કરી. ઉપસ્થિત સૌએ તેમના અડગ મનોબળ, દૃઢ સંકલ્પ અને ભગવાન પ્રત્યેની અવિચળ ભક્તિને વંદન કર્યું.૨૮૪૧ કિલો મીટર નું લાંબું અંતર પગપાળા કાપવું માત્ર શારીરિક શક્તિનો જ નહીં, પરંતુ માનસિક ધૈર્ય, આત્મવિશ્વાસ અને અખંડ શ્રદ્ધાનો પણ ઉત્તમ દાખલો છે. આવી યાત્રા સમાજને સંદેશ આપે છે કે સાચી ભક્તિમાં સમર્પણ, સંયમ અને સંકલ્પ હોય તો કોઈપણ અંતર અઘરું રહેતું નથી.
જેન્તિલાલ ભીંસડિયાની આ પદયાત્રા દેરાડા ગામ સહિત સમગ્ર વાંકાનેર તાલુકા માટે ગૌરવની ક્ષણ બની છે. તેમની આ અનોખી ધાર્મિક સફર યુવા પેઢીને શ્રદ્ધા, સંસ્કાર અને આત્મબળના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપતી યાદગાર ઘટના બની છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder