વાંકાનેર:
સમય સાથે બદલાતી સામાજિક જરૂરિયાતોને ધ્યાને રાખી ખોટા આડંબર, દેખાડો અને કુરિવાજો દૂર કરી આર્થિક બોજ ઘટાડવાના ઉમદા આશય સાથે વાંકાનેર તાલુકાના ભેંરડા ગામે સમસ્ત તળપદા કોળી સમાજની વિશાળ અને ઐતિહાસિક મહાબેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાંકાનેર ઉપરાંત થાન, ચોટીલા, મુળી અને હળવદ તાલુકાના ૧૦૦થી વધુ ગામોના સમાજના વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌની સર્વસંમતિથી સગાઈ, લગ્ન, સીમંત અને શોકસભા જેવા તમામ સામાજિક પ્રસંગો માટે વ્યવહારુ નિયમો ઘડી સમાજના નવા બંધારણનો વિધિવત અમલ શરૂ કરવામાં આવ્યો છે.

લગ્ન અને સગાઈમાં સંખ્યા તથા સોના-ચાંદીની મર્યાદા નક્કી
પ્રસંગોમાં વધી રહેલી દેખાદેખી અને બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ મૂકવા માટે બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે:
- સગાઈ અને શ્રીમંત: સગાઈ તેમજ શ્રીમંત (ખોળો ભરવા) ના શુભ પ્રસંગે મહેમાનોની સંખ્યા મહત્તમ ૫૧ વ્યક્તિઓ સુધી જ સીમિત રહેશે.
- સોના-ચાંદીની મર્યાદા: દીકરીને કરિયાવરમાં મહત્તમ ૩ તોલા સોનું અને ૨૫૦ ગ્રામ ચાંદીના દાગીના આપવાનો જ નિયમ રહેશે. મામેરું પણ સાદાઈથી બેઠું વધાવવાની પરંપરા નક્કી કરવામાં આવી છે.
- ડીજે અને ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ: ફુલેકું, વરઘોડો, જાન કે ગોતીડા દરમિયાન ડીજે વગાડવા પર પૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત અવાજ પ્રદૂષણ કરતા ફટાકડા ફોડવા અને પાર્ટી પેપર ઉડાડવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
- મરણ પ્રસંગે સાદગી: અશુભ પ્રસંગોમાં સામાજિક વ્યવહાર હળવો કરવા બેસણું બે દિવસ અને પાણીઢોર એક દિવસ મળી કુલ ત્રણ દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
સામાજિક ખર્ચની બચત શિક્ષણ ફંડ તરફ વાળવાનો સંકલ્પ
આ નવા સામાજિક બંધારણનું સૌથી પ્રશંસનીય પાસું ‘શિક્ષણ ફંડ’ ની જોગવાઈ છે. લગ્નપ્રસંગ દરમિયાન જાન પક્ષ પાસેથી શિક્ષણ ફંડ લેવામાં આવશે, જેનો ઉપયોગ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે કરવામાં આવશે. ફટાકડા અને ડીજેના ધુમાડામાં વેડફાતા નાણાં બાળકોના ભવિષ્ય નિર્માણમાં વપરાશે.

દીકરીઓના વરદહસ્તે બંધારણનું વિમોચન
બેઠકના અંતે ઉપસ્થિત અગ્રણીઓની હાજરીમાં સમાજની દીકરીઓના હસ્તે આ નવા બંધારણનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયોનો વાસ્તવિક લાભ ત્યારે જ સાકાર થશે જ્યારે તમામ ગામોમાં તેનો ચુસ્ત અને એકસમાન અમલ થાય, જેથી મધ્યમ અને આર્થિક રીતે નબળા પરિવારો પરથી સામાજિક વ્યવહારનું આર્થિક ભારણ હળવું થઈ શકે.