વાંકાનેર :
વાંકાનેર પંથકમાં ગુણવત્તાસભર આધુનિક શિક્ષણ આપતી અગ્રણી સંસ્થા DAV Calderys Public School ના વિકાસમાં વધુ એક સીમાચિહ્નરૂપ અધ્યાય ઉમેરાયો છે. શાળા પરિસરમાં નવનિર્મિત અદ્યતન બીજા માળનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન થયું છે. આ નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આગામી શૈક્ષણિક સત્રોમાં હાઈસ્કૂલ બાદ સિનિયર સેકન્ડરી (ધોરણ ૧૧ અને ૧૨) શિક્ષણ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ સાબિત થશે, જેનાથી વાંકાનેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ જ ઉચ્ચ સ્તરીય શિક્ષણની ઉત્તમ તકો પ્રાપ્ત થશે

.
સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને મેનેજિંગ ડિરેક્ટર ઈશ મોહન ગર્ગના હસ્તે લોકાર્પણ
આયોજિત વિશેષ સમારોહમાં Calderys India ના SVP APAC તથા મેનેજિંગ ડિરેક્ટર ઈશ મોહન ગર્ગ અને રાજ્યસભાના સાંસદ મહારાણા કેસરીદેવસિંહ ઝાલા દ્વારા રિબન કાપીને નવા માળનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેસરીદેવસિંહ ઝાલાએ વાંકાનેર જેવા ઔદ્યોગિક અને ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે Calderys દ્વારા કરાતા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રયાસોને બિરદાવ્યા હતા. એમડી ઈશ મોહન ગર્ગે જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકીય જ્ઞાન મેળવવાનું માધ્યમ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, યોગ્ય નિર્ણયક્ષમતા અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવાની ક્ષમતા વિકસાવવાનું સૌથી મોટું સાધન છે.
આધુનિક ક્લાસરૂમ્સ, લેબ્સ અને મલ્ટીપર્પઝ હોલની સુવિધા
વર્ષ ૨૦૨૦ માં સ્થપાયેલી આ શાળાને વર્ષ ૨૦૨૫ માં સીબીએસઇ (CBSE) ની સત્તાવાર માન્યતા મળી હતી. હાલમાં શાળા ૩૨૫ વિદ્યાર્થીઓ અને ૨૦ અનુભવી શિક્ષકો સાથે આગળ વધી રહી છે. વર્ષ ૨૦૨૬-૨૭ શાળાની પ્રથમ હાઇસ્કૂલ બેચનું વર્ષ છે, જ્યારે વર્ષ ૨૦૨૭-૨૮ થી શાળામાં સિનિયર સેકન્ડરી વર્ગો શરૂ કરવાનું સુવ્યવસ્થિત આયોજન ઘડાયું છે.
નવનિર્મિત બીજા માળે વિશાળ અને હવાઉજાસવાળા સ્માર્ટ ક્લાસરૂમ્સ, અત્યાધુનિક વિજ્ઞાન-કોમ્પ્યુટર પ્રયોગશાળાઓ (લેબ્સ) તેમજ એક ભવ્ય મલ્ટીપર્પઝ હોલ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ આંતરમાળખાકીય સુવિધાઓ બાળકોને માત્ર ગોખણપટ્ટીથી દૂર રાખી પ્રાયોગિક જ્ઞાન, સર્જનાત્મક વિચારસરણી અને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ પૂરો પાડશે.
Calderys ની CSR સફર દર્શાવતી ‘Forged to Last’ બુકનું વિમોચન
કાર્યક્રમ દરમિયાન Calderys કંપની દ્વારા છેલ્લા એક દાયકા (૨૦૧૫ થી) દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ સહિત સાત વિવિધ ક્ષેત્રોમાં કરાયેલા પ્રભાવશાળી સામાજિક કાર્યોનું દસ્તાવેજીકરણ કરતી ‘Forged to Last’ કોફી-ટેબલ બુકનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
વાંકાનેરના સ્થાનિક વિદ્યાર્થીઓને હવે પ્રાથમિકથી લઈને સિનિયર સેકન્ડરી સુધીનું સતત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એક જ કેમ્પસમાં મળી રહેશે, જેથી ઉચ્ચ અભ્યાસની પાયાની તૈયારી માટે બહારના મોટા શહેરો પર નિર્ભર રહેવું નહીં પડે.