મોરબી વાંકાનેર

બંને હાથથી દિવ્યાંગ છતાં ખુમારી અકબંધ: વાંકાનેરના હસમુખભાઈ રોજ ૧૭ કિમી સાયકલ ચલાવી કુરિયર વહેંચે છે, વૃદ્ધ પિતાનો બન્યા સહારો

બંને હાથથી દિવ્યાંગ છતાં ખુમારી અકબંધ: વાંકાનેરના હસમુખભાઈ રોજ ૧૭ કિમી સાયકલ ચલાવી કુરિયર વહેંચે છે, વૃદ્ધ પિતાનો બન્યા સહારો

Hasmukh Parmar Wankaner,

વાંકાનેર

આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો નાની-નાની મુશ્કેલીઓથી હતાશ થઈ જાય છે અથવા શોર્ટકટથી કમાણી કરવાના રસ્તા શોધે છે, ત્યારે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના વતની હસમુખભાઈ નરસિંહભાઈ પરમારની સંઘર્ષગાથા સમાજ માટે જીવંત પ્રેરણા બની રહી છે. જન્મજાત કે શારીરિક રીતે બંને હાથથી દિવ્યાંગ હોવા છતાં, હસમુખભાઈએ ક્યારેય પોતાની લાચારી સામે ઘૂંટણ ટેકવ્યા નથી કે કોઈની સામે હાથ લંબાવ્યો નથી. પોતાની શારીરિક મર્યાદાને પડકારીને તેઓ છેલ્લા ૧૮ વર્ષથી તનતોડ મહેનત કરી આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે.

૧૫ વર્ષ અખબાર વિતરણ કર્યું, હવે સાયકલ પર પાર્સલ પહોંચાડે છે

૧૭ જુલાઈ ૧૯૭૭ના રોજ જન્મેલા હસમુખભાઈએ યુવાનીથી જ સ્વાભિમાનભેર જીવવાનો સંકલ્પ કર્યો હતો. શરૂઆતના લગભગ ૧૫ વર્ષ સુધી તેમણે વાંકાનેર શહેરમાં સવાર-સાંજ ઘરે-ઘરે જઈને અખબાર વિતરણનું કપરૂં કામ કર્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ વાંકાનેરમાં કાર્યરત માર્ક અને મહાવીર કુરિયર સર્વિસ સાથે જોડાઈને શહેરમાં પાર્સલ અને પત્રો પહોંચાડવાની સેવા આપી રહ્યા છે. તેઓ દરરોજ સવારે પોતાના ગામ રાતીદેવડીથી સાયકલ ચલાવીને વાંકાનેર પહોંચે છે અને આખો દિવસ શહેરમાં ગલી-મહોલ્લાઓમાં ફરીને આશરે ૧૫ થી ૧૭ કિલોમીટર સાયકલ ચલાવીને લોકોના પાર્સલ પહોંચાડે છે.

ઘરનું કામ, રસોઈ અને વૃદ્ધ પિતાની સેવા જાતે જ કરે છે

હસમુખભાઈના પરિવારમાં હવે માત્ર તેઓ અને તેમના વૃદ્ધ પિતા નરસિંહભાઈ જ સાથે રહે છે. માતાનું અવસાન થઈ ચૂક્યું છે અને હસમુખભાઈ અપરિણીત છે. ઘરમાં કોઈ સ્ત્રી સભ્ય ન હોવા છતાં તેઓ સવારે વહેલા ઊઠીને પોતાના અને પિતા માટે ભોજન-રસોઈ બનાવે છે, ઘરની તમામ સાફ-સફાઈ પૂર્ણ કર્યા બાદ સાયકલ લઈને કુરિયરના કામે નીકળે છે. સાંજે થાકીને ઘરે પરત ફર્યા બાદ ફરીથી પિતા માટે રાત્રિભોજનની વ્યવસ્થા જાતે જ સંભાળે છે.

મર્યાદિત આવક છતાં આત્મસન્માન સાથે જીવનનિર્વાહ

હસમુખભાઈને સરકાર તરફથી દર મહિને મળતી ₹૧,૦૦૦ ની દિવ્યાંગ સહાય પેન્શન અને પિતાને મળતી ₹૧,૦૦૦ ની વૃદ્ધ પેન્શનની રકમ મળે છે. આટલી મર્યાદિત આવક અને કુરિયર કામની નજીવી કમાણી વચ્ચે પણ આ પિતા-પુત્ર કોઈની પાસે આર્થિક ઓશિંગણ રાખ્યા વિના સંતોષ અને ખુમારીપૂર્વક જીવન વિતાવી રહ્યા છે.

હસમુખભાઈની આ સફર સાબિત કરે છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિષમ હોય, જો મનમાં આત્મનિર્ભર બનવાની અડગ ઇચ્છાશક્તિ હોય તો કોઈ પણ શારીરિક ખોડખાંપણ માણસના આત્મવિશ્વાસને ડગાવી શકતી નથી.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder