ગુજરાત ગુંજ (હળવદ):
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા અને શરીર સબંધી ગુનાઓ આચરતા માથાભારે તત્વોને નબળા પાડવા માટે મોરબી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા એક કુખ્યાત અને માથાભારે ઇસમને પાસા (PASA) હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
સતત ગુનાખોરી આચરતા મળ્યું પાસાનું વોરંટ
મળતી માહિતી મુજબ, બોર્ડર રેન્જ ભુજ આઈજી અને મોરબી પોલીસ અધિક્ષક (SP) તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી હળવદ પોલીસ ઇન્સ્પેક્ટરે એક કડક ડ્રાઇવ શરૂ કરી છે. જે અંતર્ગત હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા અને અગાઉ પણ મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત ઇસમ મોહિત હસમુખભાઇ પરમાર વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ માથાભારે ઇસમ સામેનું પાસા વોરંટ ઇસ્યુ કરાતા જ હળવદ પોલીસે એક્શન લીધું હતું.
અલગ-અલગ ટીમો બનાવીને દબોચી લીધો
વોરંટ જાહેર થતાં જ આરોપીને ઝડપી લેવા માટે હળવદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી સત્વરે આ કુખ્યાત ઇસમને અટકાયત કરી લીધો હતો અને પાસા એક્ટ તળે ડિટેઇન કરી મધ્યસ્થ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પોલીસ અધિકારીઓની ટીમ રહી કાર્યરત
આ સફળ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.ટી.વ્યાસ, પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.બી.ટાપરીયા તથા હળવદ પોલીસ સ્ટાફના જાંબાઝ માણસો દ્વારા પાર પાડવામાં આવી છે.
પોલીસની આ કડક કાર્યવાહીથી હળવદ પંથકમાં અસામાજિક અને માથાભારે તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સ્થાનિક નગરજનોએ શાંતિ-સલામતી જાળવવા બદલ પોલીસની કામગીરીને બિરદાવી છે.
