સુરેન્દ્રનગર:
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) ના માર્ગદર્શન હેઠળ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ (IPS) ની સૂચનાથી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એસ.ઓ.જી. (Special Operations Group) ની ટીમ સતત સક્રિય છે. આ ઝુંબેશ અંતર્ગત SOG પોલીસને મોટી સફળતા મળી છે અને છેલ્લા દોઢ મહિનાથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહની સચોટ બાતમી
મળતી વિગતો અનુસાર, SOG સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ માલાભાઇ રથવીને એક ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં લાંબા સમયથી નાસતો-ફરતો આરોપી પોતાના રહેણાંક મકાને હાજર છે.
બાતમીના આધારે SOG ની ટીમે તાત્કાલિક મૂળી તાલુકાના ખાખરાળા ગામે દરોડો પાડીને શંકાસ્પદ ઇસમને દબોચી લીધો હતો. પોલીસની પૂછપરછમાં તેણે પોતાનું નામ વિક્રમભાઇ જેસાભાઇ જોગરાણા (ઉંમર વર્ષ ૨૨, રહે. ખાખરાળા, તા. મૂળી, જી. સુરેન્દ્રનગર) હોવાનું જણાવ્યું હતું.
દોઢ મહિનાથી હતો ફરાર, કરી લીધી કબૂલાત
પકડાયેલા આરોપી વિક્રમ જોગરાણા સામે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૧૦૨૫૨૬૦૨૭૧/૨૦૨૬ BNS કલમ ૩૧૮(૨), ૩૫૧, ૩૫૨ મુજબ શરીર સંબંધી ગંભીર ગુનો નોંધાયેલો હતો. આ ગુનામાં તે છેલ્લા દોઢેક મહિનાથી પોલીસની પકડથી દૂર ભાગતો ફરતો હતો. SOG ની કડક પૂછપરછ દરમિયાન તેણે આ ગુનામાં પોતે નાસતો-ફરતો હોવાની કબૂલાત કરી લીધી હતી.
જોરાવરનગર પોલીસને સોંપાયો
SOG પોલીસે આરોપી વિક્રમભાઇ જેસાભાઇ જોગરાણાને ઘટનાસ્થળેથી હસ્તગત કર્યો હતો. આ મામલે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવા માટે આરોપીને જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
