મોરબી:
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને અને સામાન્ય નાગરિકો શાંતિથી જીવી શકે તે માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. કાયદાનું ઉલ્લંઘન કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને તેઓને કાયદાનું ભાન કરાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.
કચ્છ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવીજન પોલીસ દ્વારા આ ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી.
વારંવાર ગુના આચરતા તત્વોને બોલાવાયા
બી ડીવીજન પોલીસ ઇન્સ્પેકટર જે.ડી.સરવૈયાની સૂચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને અવારનવાર શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબિશન (દારૂબંધી) પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસામાજિક તત્વોને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. પોલીસે આ તમામ તત્વો વિરુદ્ધ અગાઉ નોંધાયેલા ગુનાઓની વિગતોનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો.
“કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો”
પોલીસ ઇન્સ્પેકટર જે.ડી.સરવૈયાએ આ તત્વોને કાયદાનું પાલન કરવા કડક સૂચન આપ્યું હતું. તેમણે અસામાજિક તત્વોને “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” નું સ્પષ્ટ સૂત્ર આપીને, ગુનાખોરીનો રસ્તો છોડી સામાન્ય નાગરિકોની જેમ શાંતિપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરણા અને તાકીદ કરી હતી. મોરબી પોલીસના આ પગલાથી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.