મોરબી

શિક્ષણના મંદિરમાં શિક્ષકોની ખોટઃ ગુજરાતમાં વિદ્યાર્થીના ભવિષ્ય સામે ઊભો મોટો પડકાર

શિક્ષણના મંદિરમાં શિક્ષકોની ખોટઃ ગુજરાતમાં વિદ્યાર્થીના ભવિષ્ય સામે ઊભો મોટો પડકાર

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વિકાસના મોટા દાવાઓ વચ્ચે શિક્ષક અને વિદ્યાર્થીના રેશિયોને લઈને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. નીતિ આયોગના અહેવાલ મુજબ દેશમાં પ્રાથમિક શિક્ષણમાં સરેરાશ ૨૦ વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક ઉપલબ્ધ છે, જ્યારે ગુજરાતમાં આ પ્રમાણ ૨૪ વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષકનું હોવાનું સામે આવ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે રાજ્યમાં હજારો શાળાઓ હજુ પણ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે, જે ગુણવત્તાસભર શિક્ષણ માટે મોટો પ્રશ્ન ઉભો કરે છે. મળતી માહિતી મુજબ રાજ્યની ૨૯૩૬ જેટલી શાળાઓમાં એક જ શિક્ષક તમામ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી સંભાળી રહ્યા છે. એક જ શિક્ષક માટે અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને સમયસર અને ગુણવત્તા સાથે શિક્ષણ આપવું પડકારજનક બની રહે છે. પરિણામે વિદ્યાર્થીઓના પાયાના જ્ઞાન, ભાષાકૌશલ્ય, ગણિત અને ટેક્નોલોજી આધારિત અભ્યાસ પર અસર થવાની શક્યતા વધી જાય છે.

હાલના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં માત્ર પુસ્તક જ્ઞાન પૂરતું નથી, પરંતુ વિજ્ઞાન, ટેક્નોલોજી, અંગ્રેજી ભાષા, ડિજિટલ શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસનું જ્ઞાન પણ એટલું જ જરૂરી બન્યું છે. ત્યારે સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં અવરોધરૂપ બની શકે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને ખાનગી શાળાની સરખામણીએ મર્યાદિત સંસાધનો વચ્ચે અભ્યાસ કરવો પડે છે. શિક્ષણવિદોના મતે, શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક ભણાવનાર નહીં પરંતુ વિદ્યાર્થીના ભવિષ્યનો ઘડવૈયો હોય છે. જો શિક્ષકની અછત રહેશે તો શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની કારકિર્દી પર સીધી અસર પડી શકે છે. નવી શિક્ષણ નીતિ અને ડિજિટલ યુગને અનુરૂપ તાલીમબદ્ધ શિક્ષકોની ભરતી સમયની માંગ બની છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે સરકાર દ્વારા શાળાઓમાં ખાલી જગ્યાઓ ઝડપથી ભરવી, ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોની પૂરતી નિમણૂક કરવી, ડિજિટલ લેબ અને આધુનિક શિક્ષણ પદ્ધતિને પ્રોત્સાહન આપવું જરૂરી છે. સાથે સાથે માતા-પિતા, શિક્ષકો અને સમાજ પણ શિક્ષણને માત્ર શાળા પૂરતું નહીં પરંતુ સામાજિક જવાબદારી માની આગળ આવે તે જરૂરી છે.
આજનો વિદ્યાર્થી આવતીકાલનો અધિકારી, વૈજ્ઞાનિક, ડોક્ટર, ઈજનેર અને દેશનો જવાબદાર નાગરિક બને છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રે માત્ર જાહેરાતો નહીં, પરંતુ જમીન સ્તરે મજબૂત અમલીકરણ અને શિક્ષકોની પૂરતી ઉપલબ્ધતા જ ગુજરાતના શિક્ષણને નવી દિશા આપી શકે છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder