
રિપોર્ટ : સંજય નંદેસરિયા, હળવદ : હળવદ શહેરમાં ફૂડ વિભાગ દ્વારા પાણીપુરી અને નાસ્તાની લારીઓ સામે હાથ ધરાયેલી કાર્યવાહી બાદ હવે શહેરમાં ચર્ચા અને સવાલોનું વાતાવરણ ગરમાયું છે. શહેરીજનોમાં એવો આક્ષેપ ઉઠી રહ્યો છે કે તંત્ર માત્ર નાના ધંધાર્થીઓ અને લારીધારકો સામે જ કડક વલણ અપનાવી રહ્યું છે, જ્યારે શહેરની મોટી હોટલો અને પ્રભાવશાળી વેપારીઓ સામે કાર્યવાહી મામલે મૌન સાધી લેવામાં આવે છે. તાજેતરમાં ફૂડ વિભાગે શહેરમાં પાણીપુરી અને નાસ્તાની ૯ લારીઓનું ચેકિંગ કરી ૮ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલ્યા હતા. સાથે જ અખાદ્ય ચટણી અને ન્યૂઝપેપરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જોકે આ કાર્યવાહી બાદ લોકોમાં સવાલ ઉઠવા લાગ્યા છે કે શું ફૂડ સલામતીની જવાબદારી માત્ર નાના વેપારીઓ પૂરતી જ મર્યાદિત છે?
શહેરમાં અગાઉ એક જાણીતી હોટલમાં જમવાની ડીશમાંથી વંદો નીકળ્યાની ઘટના ભારે ચર્ચામાં રહી હતી. આ બનાવ બાદ લોકોમાં આશા હતી કે જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી થશે, પરંતુ કોઈ સ્પષ્ટ પરિણામ સામે ન આવતા હવે લોકોમાં તંત્રની નિષ્પક્ષતા અંગે ચર્ચાઓ તેજ બની છે.
શહેરીજનોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે “હપ્તાખોરી” અને “સેટિંગ”ના કારણે મોટા વેપારીઓ પર કાર્યવાહી થતી નથી, જ્યારે ગરીબ અને નાના ધંધાર્થીઓને સરળ નિશાન બનાવી કાર્યવાહીનો દેખાવ કરવામાં આવે છે. જોકે આ પ્રકારના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, છતાં શહેરમાં આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે.
હવે લોકોની માંગ ઉઠી રહી છે કે જો ફૂડ વિભાગ ખરેખર નિષ્પક્ષતા સાથે કામગીરી કરી રહ્યું હોય, તો શહેરની મોટી હોટલો, રેસ્ટોરન્ટો અને ખાદ્ય ચીજવસ્તુઓના મોટા વેપારીઓ પર પણ અચાનક ચેકિંગ હાથ ધરી પારદર્શક અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી લોકોમાં તંત્ર પ્રત્યે વિશ્વાસ મજબૂત બને.