


મોરબીના જલારામ ધામ ખાતે સ્વ. પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર પરિવારના સહયોગથી યોજાયેલા નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 200 દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન 80 દર્દીઓને નિઃશુલ્ક નેત્રમણી (મોતિયાબિંદ)ના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા.
શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ, શ્રી જલારામ ધામ મોરબી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે દર મહીનાની 4 તારીખે યોજાતા આ કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા આંખોની તપાસ કરવામાં આવી હતી. ઓપરેશન માટે જવા-આવવાની, રહેવા-જમવાની તેમજ દવાઓ અને ચશ્માની સુવિધા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આયોજકોના જણાવ્યા મુજબ છેલ્લા 57 કેમ્પમાં કુલ 15,944 લોકોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું છે, જ્યારે 7,238થી વધુ સફળ નેત્રમણી ઓપરેશનો કરવામાં આવ્યા છે. કેમ્પને સફળ બનાવવા વિવિધ સેવાભાવી આગેવાનો અને સ્વયંસેવકોએ સહયોગ આપ્યો હતો.
સંસ્થાએ જણાવ્યું છે કે દર મહીનાની 4 તારીખે આ કેમ્પ નિયમિત યોજાશે અને લાભાર્થીઓએ તપાસ માટે આધાર કાર્ડ સાથે લાવવું જરૂરી રહેશે.
