મોરબી:
મોરબીમાં લિફ્ટ માંગવાના બહાને નિર્દોષ નાગરિકને અંધારામાં લઈ જઈ, છરીની અણીએ બાઈક અને રોકડની લૂંટ ચલાવનાર ગેંગના એક સાગરીતને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલ આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે.
બનાવની વિગત
ફરિયાદી ભુરારામ નરશીરામ ચૌધરી (રહે. યમુનાનગર-2, મોરબી) પાસેથી બે શખ્સોએ રસ્તામાં લિફ્ટ માંગી હતી. ત્યારબાદ તેઓને અંધારા વાળી ગલીમાં લઈ જઈ, છરી બતાવી ડરાવી ધમકાવીને તેમનું હોન્ડા સાઈન મોટરસાયકલ અને રોકડા રૂ. 15,000/- ની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વાય.બી. જાડેજાની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે કુલદિપસિંગ ઉર્ફે કાલી ધવલસિંગ ખીચી (ઉ.વ. 26, રહે. રણછોડનગર, મોરબી) ને ઝડપી પાડ્યો છે.
પોલીસે આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
• લૂંટમાં ગયેલ હોન્ડા સાઈન બાઈક (નંબર: GJ-03-EQ3881).
• લૂંટના રોકડા રૂ. 10,000/-.
• ગુનામાં ઉપયોગમાં લીધેલી છરી.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલ આરોપી કુલદિપસિંગ ઉર્ફે કાલી રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને જી.પી. એક્ટ હેઠળ કુલ 7 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
આ કામગીરીમાં પી.આઈ. વાય.બી. જાડેજા, પી.એસ.આઈ. જે.સી. ગોહિલ, એન.આર. વાણીયા તથા પોલીસ સ્ટાફના હિતેષભાઇ ચાવડા, પ્રુથ્વીરાજસિંહ જાડેજા સહિતના જોડાયા હતા. આ લૂંટમાં સંડોવાયેલ અન્ય એક આરોપી દેવાસિંગ ભરતસિંગને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
