મોરબી: આગામી ૧૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે મોરબી જિલ્લામાં સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે મોરબીના રાજમાર્ગો પર મહારેલી, મહાસલામી અને મહાસભા યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં સ્વયમ્ સૈનિકો જોડાશે.
માનવતાવાદી રાષ્ટ્રના નિર્માણનો સંકલ્પ
“આપણે માનવતાવાદી રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે” ના ધ્યેય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વૈચારિક પરિવર્તન અને મિશનરી જવાબદારીઓ સ્વીકારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઉપરાંત મહાત્મા જ્યોતિબા ફૂલે, બિરસા મુંડા અને ફાતિમા શેખ જેવા મહાપુરુષોના આદર્શોને યાદ કરવામાં આવશે.
રેલીનો સમય અને રૂટ
ભીમ રેલી સવારે ૮:૩૦ વાગ્યે શનાળા ગામથી પ્રસ્થાન કરશે. રેલીનો રૂટ નીચે મુજબ રહેશે:
• શનાળા ગામથી ઉમિયા સર્કલ
• નવા બસ સ્ટેન્ડ થી રામચોક
• સિવિલ હોસ્પિટલ ચોક (બાબાસાહેબની પ્રતિમાને સલામી)
• પરાબજાર, ગેસ્ટ હાઉસ રોડ
• વી.સી. ફાટક, પાડાપુલ, નટરાજ ફાટક
• નજરબાગથી ભળીયાદ કાંઠે સમાજવાડી (જ્યાં સભા યોજાશે)
વિશેષ આકર્ષણ: મહાસલામી
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આપવામાં આવતી મહાસલામી રહેશે. સ્વયમ્ સૈનિક દળના શિસ્તબદ્ધ સૈનિકો દ્વારા બાબા સાહેબને સન્માન અર્પિત કરવામાં આવશે.
આયોજકો દ્વારા તમામ મિશનરી ભાઈઓ અને બહેનોને આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા અને પોતાની સામાજિક જવાબદારી નિભાવવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
