
મોરબી શહેરમાં ચૈત્રી નવરાત્રીની પવિત્ર ઉજવણી વચ્ચે નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન નજીક આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ભક્તિ અને આસ્થાથી ઝળહળતું બન્યું છે. સમગ્ર મોરબી પંથકમાં શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતું આ મંદિર આ દિવસોમાં દિવ્ય રોશનીથી ચમકી ઉઠ્યું છે, જ્યાં ભક્તિ, આરાધના અને આધ્યાત્મિક ઊર્જાનો અદભુત માહોલ સર્જાયો છે. ચૈત્રી નવરાત્રીના પાવન પ્રસંગે તા. 25 માર્ચ 2026, બુધવારે રાત્રે 8:30 વાગ્યે મંદિરના વિશાળ આંગણે ઓર્કેસ્ટ્રા અને મ્યુઝિક પાર્ટીની સંગાથે ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને બહેનો અને દીકરીઓને આમંત્રિત કરવામાં આવી છે, જેથી તેઓ ભક્તિ સાથે આનંદ અને ઉત્સાહનો અનુભવ કરી શકે.આ સમગ્ર આયોજનમાં સૌથી પ્રેરણાદાયક બાબત એ છે કે અંજલી ઈવેન્ટ – રમેશ ભદ્રાની ટીમ દ્વારા મંડપ સહિત તમામ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. આજના સમયમાં નિસ્વાર્થ સેવા અને સમર્પણનો આ ઉત્તમ દાખલો સમાજ માટે પ્રેરણારૂપ છે.શ્રી ધક્કાવાળી માં ચેરીટેબલ ટ્રસ્ટના આ આયોજન દ્વારા માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ એકતા, સેવાભાવ અને સંસ્કૃતિનું સુંદર સંદેશ પણ પ્રસરી રહ્યું છે. આવી પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક ઊર્જા અને સંસ્કારનું સિંચન કરે છે.
રિપોર્ટ: સુરેશભાઈ ગોસ્વામી, મોરબી