


રિપોર્ટ : એશા પારેખ, મુળી:સુરેન્દ્રનગર: સરકારી માધ્યમિક શાળા, નગરા, તા. વઢવાણ ખાતે તા. 20 અને 21 ઓગષ્ટ, 2026 દરમિયાન “વાલી મિટિંગ 2026”નું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, હાજરી, શિસ્ત અને સર્વાંગી વિકાસ અંગે વાલીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થા ને શાળાના આચાર્ય શ્રીમતી જયશ્રીબેન કોઈસા રહ્યા હતા, જ્યારે સંચાલન વારિસભાઈ ભટ્ટા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષકગણ એઝાજભાઈ કાજી, ઉજ્જવલાબેન દેગામા, નવજ્યોતભાઈ શેખ, અંકિતાબેન ગઢવી, હેતલબેન સોલંકી તથા દેવાંગભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
અભ્યાસથી લઈને શિસ્ત સુધી ચર્ચા બેઠક દરમિયાન વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રગતિ, ગૃહકાર્ય, પરીક્ષાની તૈયારી, નિયમિત હાજરી, વર્તન અને શિસ્ત સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વાલીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ પર નિયમિત દેખરેખ રાખવા તેમજ ઘરે પણ અભ્યાસ માટે યોગ્ય અને શાંત વાતાવરણ પૂરું પાડવા વાલીઓને અનુરોધ કર્યો હતો.
આ સાથે આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓના મોબાઇલ અને સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ અંગે પણ વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોબાઇલનો બિનજરૂરી ઉપયોગ અભ્યાસમાં વિક્ષેપ ન બને અને ટેક્નોલોજીનો શૈક્ષણિક હેતુસર ઉપયોગ થાય તે માટે વાલીઓએ પણ સક્રિય ભૂમિકા ભજવવી જરૂરી હોવાનું શિક્ષકોએ સમજાવ્યું હતું. વાલીઓના સૂચનોને પણ મહત્વ

વાલીઓએ શાળાની શૈક્ષણિક કામગીરી અને વિદ્યાર્થીઓના વિકાસ માટે શિક્ષકો દ્વારા કરવામાં આવતા પ્રયાસો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા.આ વાલી મિટિંગ માત્ર વિદ્યાર્થીઓના પરિણામની ચર્ચા પૂરતી સીમિત ન રહી, પરંતુ વિદ્યાર્થી–વાલી–શિક્ષક વચ્ચેના ત્રિકોણીય સંવાદને મજબૂત બનાવવાનો પ્રયાસ બની રહી હતી. વિદ્યાર્થીના વિકાસમાં શાળા જેટલી જ પરિવારની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાથી બંને વચ્ચે સતત સંવાદ રહે તો અભ્યાસ, શિસ્ત અને વ્યક્તિત્વ વિકાસમાં વધુ સારા પરિણામો મેળવી શકાય છે.શાળા અને વાલી વચ્ચે સતત સહકાર અને સંવાદ જાળવી વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ સર્વાંગી વિકાસને વેગ આપવાના સંકલ્પ સાથે કાર્યક્રમ હકારાત્મક વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
