રાજકોટ જિલ્લા ના બેટી રામપરા ગામે પાવન પ્રસંગે રામજી મંદિર નિર્માણ પૂર્ણ થતાં ત્રણ દિવસીય ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 50 વર્ષથી ગામમાં રામજી મંદિર ન હોવાથી ગામજનોના સહયોગથી અંદાજે 50 થી 60 લાખના ખર્ચે મંદિર (ચોરો) નિર્માણ કરવામાં આવ્યું છે, જે ગામ માટે ગૌરવનો વિષય બન્યો છે.આ કાર્યક્રમના બીજા દિવસે સમસ્ત ગામ દ્વારા ભવ્ય શોભાયાત્રા (વરઘોડો) યોજાયો હતો. જેમાં રામ દરબાર અને હનુમાનજી મહારાજની મૂર્તિઓને ઢોલ-નગારા, ડીજે તેમજ ફૂલો અને અબીલ-ગુલાલ સાથે સમગ્ર ગામમાં ફેરવવામાં આવી હતી. આ પ્રસંગે ગામના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભાવભીનાં વાતાવરણમાં ભાગ લીધો હતો.
શોભાયાત્રા બાદ મૂર્તિઓનું મંદિર પાસે આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવનવિધિમાં જોડાયેલા શ્રદ્ધાળુઓ દ્વારા મૂર્તિઓને જલાભિષેક કરવામાં આવ્યો અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ફૂલો સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંતો-મહંતો પણ ઉપસ્થિત રહી ધાર્મિક વાતાવરણને વધુ પવિત્ર બનાવ્યું હતું. સાંજે ભજન-ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જ્યારે રાત્રે 9:00 વાગ્યે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત બેટી રામપરા ગામ દ્વારા તમામ ભક્તજનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આવતીકાલે રામનવમીના પાવન દિવસે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ચા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પણ સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. સમગ્ર કાર્યક્રમમાં ગામજનો દ્વારા આવનારા મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
