રાજકોટ:
પવિત્ર મહોર્રમ માસ નિમિત્તે રાજકોટ શહેરમાં આસ્થા અને ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાત્રે રાજકોટના જાહેર માર્ગો પર પરંપરાગત રીતે ‘કતલની રાત’ નિમિત્તે તાજીયા અને માતમી જુલૂસ ભ્રમણ કરશે, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાશે.
જાહેર માર્ગો પર મહોર્રમની આસ્થાના દર્શન
આજે રાત્રિના સમયે શહેરના રાજમાર્ગો પર હૈદરી નારા અને માતમના સૂર ગુંજી ઉઠશે. ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા ભારે ગમગીન માહોલમાં તાજીયાના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. લોકો મોડી રાત સુધી શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરંપરાગત ઝુલુસમાં સામેલ થશે.
આવતીકાલે ‘યોમે આશુરા’
આવતીકાલે મહોર્રમ મહિનાની ૧૦મી તારીખ એટલે કે ‘યોમે આશુરા’ છે. આવતીકાલે મહોર્રમ પર્વની પૂર્ણાહુતિ થશે, જે અંતર્ગત બપોર બાદ શહેરના તમામ મુખ્ય તાજીયાઓ એક વિશાળ અને ભવ્ય જુલૂસ સ્વરૂપે કરબલાના મેદાન (નિયત સ્થળ) તરફ આગળ વધશે, જ્યાં તેમને આદરપૂર્વક ઠંડા કરવામાં આવશે.
શાંતિ સમિતિ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત:
તહેવાર દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ટ્રાફિક ડાયવર્ઝન અને સીસીટીવી કેમેરા દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
