રાજકોટ, તા. ૧૯ : જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખના પદગ્રહણ પહેલા જ ચુંટાયેલા સભ્યો લોકહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપતા જોવા મળી રહ્યા છે. સામાન્ય ચૂંટણી બાદ નવા પદાધિકારીઓ આવતા સોમવારે વિધિવત રીતે સત્તારૂઢ થવાના છે, ત્યારે સભ્યો દ્વારા પ્રજાલક્ષી કાર્યોની શરૂઆત કરવામાં આવી રહી છે.આજે જિલ્લા પંચાયત કચેરીમાં ચૂંટાયેલા સભ્યોની ચહલપહલ વચ્ચે વિવિધ વિસ્તારોના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. બેડી બેઠક હેઠળ આવેલા પરાપીપળીયા ગામના રસ્તાની ખરાબ હાલત અંગે જિલ્લા પંચાયત સભ્ય સુમિતાબેન ચાવડા વતી રાજેશભાઈ (રાજાભાઈ) ચાવડાએ કાર્યપાલક ઇજનેર દવેને મળી રજૂઆત કરી હતી.રજુઆતમાં જણાવાયું હતું કે પરાપીપળીયા પાટીયાથી ગામ સુધીનો રસ્તો અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રસ્તાની તાત્કાલિક સુધારણા કરી લોકહિતમાં જરૂરી પગલાં લેવા માંગ કરવામાં આવી હતી.આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ કેયુર ઢોલરિયા, જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન વિનુભાઈ ધડુક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુમિતાબેન ચાવડા દ્વારા આગામી સમયમાં પણ વિસ્તારના વિવિધ લોકપ્રશ્નોને વાચા આપવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
