
હળવદ/પાટડી/ધ્રાંગધ્રા/માળીયા: ચોમાસું નજીક આવી રહ્યું છે અને ખેડૂતો માટે આગોતરા વાવેતરનો સમય શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે નર્મદાનું પાણી સમયસર છોડવાની માંગ જોર પકડી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક સંદેશમાં ખેડૂત ચિંતકે ખેડૂતોની હાલત અને સમસ્યાઓને વાચા આપતા સરકાર સમક્ષ ગંભીર રજૂઆત કરી છે.
વાયરલ મેસેજમાં જણાવાયું છે કે પાટડી, ધ્રાંગધ્રા, હળવદ અને માળીયા પંથકમાં ભુગર્ભ પાણી ખારા હોવાથી ખેતી માટે મીઠા પાણીની ભારે જરૂરિયાત રહે છે. જો ચોમાસા પહેલા નર્મદાનું પાણી આપવામાં આવે તો ખેડૂતો આગોતરું વાવેતર કરી વધુ સારું ઉત્પાદન મેળવી શકે. વરસાદ આવ્યા બાદ પાણી છોડવામાં આવે તો તેનું ખાસ લાભ મળતો નથી.
ખેડૂત ચિંતકે ધારાસભ્ય, સંસદસભ્ય તેમજ નવનિયુક્ત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોને સરકારમાં લેખિત રજૂઆત કરવાની અપીલ કરી છે. હાલ ખેતીના સમયમાં ડીઝલ-પેટ્રોલ માટે લાઈનો, રાસાયણિક ખાતરોના તોતિંગ ભાવ વધારો અને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની હોવાનું પણ સંદેશમાં વ્યક્ત કરવામાં આવ્યું છે.
“અન્નદાતા ખેડૂતો તમને ખોબલે ખોબલે મત આપ્યા છે, ત્યારે હવે તેમની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવાનો સમય છે,” તેવી લાગણીસભર અપીલ સાથે ખેડૂતોએ વહેલી તકે નર્મદાનું પાણી છોડવાની માંગ ઉઠાવી છે. ખેડૂતોનું માનવું છે કે સમયસર પાણી મળશે તો આવનારી સિઝનમાં ઉત્પાદન સુધરી શકે અને આર્થિક રાહત મળી શકે.