રાજકોટ

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’ જેવો માહોલ: સેન્સેક્સ 73000 અને નિફ્ટી 23000 નીચે પટકાયા, રોકાણકારોના ₹6 લાખ કરોડ સ્વાહા

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’ જેવો માહોલ: સેન્સેક્સ 73000 અને નિફ્ટી 23000 નીચે પટકાયા, રોકાણકારોના ₹6 લાખ કરોડ સ્વાહા

Share Market Cras

રાજકોટ:

નવા સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં મંદીવાળાઓનું આક્રમણ એટલું ભીષણ રહ્યું કે બજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું. મુંબઈ શેરબજાર (BSE) નો સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૯૦૦ પોઈન્ટથી વધુ ગગડીને ૭૩,૦૦૦ ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી નીચે સરકી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ ૨૩,૦૦૦ ની સપાટી ગુમાવીને ૨૨,૮૫૦ ના તળિયે પહોંચી ગયો હતો. માત્ર એક જ દિવસના આ આક્રમક વેચવાલીના તોફાનમાં રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૬ લાખ કરોડથી વધુ રકમ ધોવાઈ ગઈ છે.

ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૭૨,૯૮૧ અને નિફ્ટી ૨૨,૮૫૫ ના તળિયે

બજારની શરૂઆત સાધારણ સાવચેતી સાથે થયા બાદ વૈશ્વિક મોરચેથી આવેલા નકારાત્મક સમાચારોના પગલે ચારેતરફ ગભરાટ ફેલાયો હતો. સેન્સેક્સ ૯૭૪ પોઈન્ટના કડાકા સાથે ૭૩,૦૨૦ ની સપાટીએ જોવા મળ્યો હતો (દિવસ દરમિયાન ઉંચામાં ૭૩,૭૪૦ અને નીચામાં ૭૨,૯૮૧). જ્યારે નિફ્ટી ૨૬૭ પોઈન્ટ ગગડીને ૨૨,૮૭૨ ના સ્તરે આવી ગયો હતો (દિવસમાં ઉંચામાં ૨૩,૦૮૦ અને નીચામાં ૨૨,૮૫૫). લગભગ તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. રિલાયન્સ, એચડીએફસી બેંક, એસબીઆઈ, ભારતી એરટેલ અને આઈટી શેરોમાં ભારે કત્લેઆમ જોવા મળી હતી.

શેરબજારમાં ભૂકંપ પાછળના ૫ મુખ્ય કારણો:

૧. યુદ્ધનું સંકટ: મધ્ય પૂર્વમાં યુદ્ધ રોકવા અને હોર્મુઝ સામુદ્રધુની ખોલવાની ઈરાનની શરતો ફગાવી અમેરિકાએ નવા હુમલાનો સંકેત આપતાં વૈશ્વિક ભય વધ્યો.

૨. ક્રૂડ ઓઈલમાં ભડકો: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ફરી ૨ ટકાથી વધુનો ઉછાળો આવ્યો.

૩. અમેરિકી બોન્ડ યીલ્ડમાં તેજી: યુએસ બોન્ડ યીલ્ડ ૨ વર્ષ માટે ૪.૯૦% અને ૧૦ વર્ષ માટે ૫.૨૦% ની ટોચે પહોંચતાં વૈશ્વિક નાણાં ઇક્વિટીમાંથી બહાર નીકળવા લાગ્યા.

૪. FII ની જંગી વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. ૨.૪૧ ટ્રિલિયનથી વધુ મૂલ્યના શેરોનું આક્રમક વેચાણ કરાયું.

૫. વોલાટિલિટી ઇન્ડેક્સ (VIX) માં ઉછાળો: માર્કેટ વોલાટિલિટી ઇન્ડેક્સમાં ૧૫ ટકાથી વધુનો ઉછાળો આવ્યો અને વ્યાજદરમાં વૃદ્ધિની ભીતિ વધુ ઘેરી બની.

રિલાયન્સ અને IT શેરોમાં મોટું ધોવાણ: ₹૩૧ લાખ કરોડ સ્વાહા

ડેટા રિસર્ચ કંપની અનુસાર, નિફ્ટી ૫૦ ના લગભગ ૩૬ થી ૪૦ ટકા શેરો પોતાના ૫૨ સપ્તાહના ઉચ્ચતમ સ્તરેથી ૨૦ ટકાથી વધુ નીચે પટકાઈ ગયા છે. આ ઘટાડાને કારણે લાંબા ગાળાના રોકાણકારોની મૂડીમાં રૂ. ૩૧ લાખ કરોડનું ધોવાણ થયું છે.

  • IT સેક્ટરમાં ગાબડું: ઇન્ફોસિસ તેના હાઈથી ૪૨.૧% તૂટ્યો છે, વિપ્રો ૩૯.૯%, ટીસીએસ ૩૭.૯% અને એચસીએલ ટેક ૨૯.૫% ઘટ્યા છે.
  • રિલાયન્સનું માર્કેટ કેપ ઘટ્યું: દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. ૨૧.૩૫ લાખ કરોડથી ઘટીને રૂ. ૧૬.૫૯ લાખ કરોડ થઈ ગયું છે, એટલે કે કંપનીના માર્કેટ વેલ્યૂમાં રૂ. ૪.૭૬ લાખ કરોડનો તોતિંગ ઘટાડો નોંધાયો છે.
  • અન્ય શેરો: ટાટા મોટર્સ પીવી ૩૫.૧%, એચડીએફસી બેંક ૨૭.૯% અને મારુતિ સુઝુકી ૩૦.૫% સુધી ગગડ્યા છે.

રૂપિયો ગગડીને ₹૯૭ ની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ભીતિ

શેરબજારના કડાકા વચ્ચે કરન્સી માર્કેટ માટે પણ નિષ્ણાતોએ લાલબત્તી ધરી છે. ક્રૂડ તેલના વધતા ભાવ અને બોન્ડ યીલ્ડના કારણે વિદેશી રોકાણ પાછું ખેંચાતાં આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે ૯૭ ની ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી શકે છે. અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી સુધી આ વૈશ્વિક અસ્થિરતા શાંત પડવાની શક્યતા નહિવત હોવાથી માર્કેટ એક્સપર્ટો હાલ રિટેલ રોકાણકારોને કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવાની સલાહ આપી રહ્યા છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder