અમદાવાદ

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનો વિધિવત પ્રારંભ: રાજ્યમાં સીઝનનો સરેરાશ 89% વરસાદ પૂર્ણ, ભુજમાં પારો 39.5 ડિગ્રી પહોંચ્યો

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનો વિધિવત પ્રારંભ: રાજ્યમાં સીઝનનો સરેરાશ 89% વરસાદ પૂર્ણ, ભુજમાં પારો 39.5 ડિગ્રી પહોંચ્યો

Gujarat Weather

અમદાવાદ:

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની રમઝટ બોલાવ્યા બાદ હવે મેઘરાજાએ ધીમે-ધીમે ગુજરાતમાંથી વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું પાછું ખેંચાયા બાદ હવે ગુજરાતના સરહદી અને પશ્ચિમી ભાગોમાંથી પણ ચોમાસાની વિદાયનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. વરસાદનું જોર ઘટતાંની સાથે જ રાજ્યમાં હવે આકરા ઉનાળા જેવા ભાદરવી તાપનો અનુભવ થવા લાગ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઝડપથી ઊંચકાઈને ૪૦ ડિગ્રીની નજીક પહોંચી ગયો છે.

ડીસા અને નલિયામાંથી પસાર થઈ ચોમાસાની વિદાય રેખા

ભારતીય હવામાન વિભાગ (IMD) ના સત્તાવાર બુલેટિન અનુસાર, દેશમાંથી ચોમાસાની વિદાય રેખા (વિથડ્રોઅલ લાઇન) હાલ ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર તેમજ ગુજરાતના ડીસા અને નલિયા પરથી પસાર થઈ રહી છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, આ રેખા દર્શાવે છે કે ઉત્તર ગુજરાત અને કચ્છના સરહદી વિસ્તારોમાંથી ચોમાસાએ પાછા પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. આગામી દિવસોમાં વિદાય રેખા આગળ વધતાં રાજ્યના બાકીના ભાગોમાંથી પણ વિધિવત ચોમાસું સમેટાઈ જશે.

બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન આગામી ૧૨ કલાકમાં નબળું પડશે

હવામાનની અન્ય સિસ્ટમ પર નજર કરીએ તો, બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધીને હાલ આંધ્રપ્રદેશના ઉત્તરીય કાંઠા નજીક કેન્દ્રિત થયેલું છે. જોકે આ સિસ્ટમ હવે પોતાની અસર ગુમાવી રહી છે અને આગામી ૧૨ કલાકની અંદર નબળી પડીને સાદા ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેથી ગુજરાત પર તેની કોઈ નવી મોટી અસર જોવા મળશે નહીં.

રાજ્યમાં સીઝનનો સરેરાશ ૮૯% વરસાદ, દક્ષિણ ગુજરાત ટોપ પર

ચોમાસાની વિદાય વચ્ચે પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૪૭ તાલુકાઓમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો, જેમાં ગીર સોમનાથના ઉનામાં ૨.૭૨ ઇંચ અને અમરેલીના રાજુલામાં ૨.૬૦ ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ચાલુ સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૮૧૦ મિમી એટલે કે ૮૯ ટકા જેટલો નોંધાઈ ચૂક્યો છે.

  • દક્ષિણ ગુજરાત: સૌથી વધુ ૧૧૪% વરસાદ
  • મધ્ય ગુજરાત: ૮૯% વરસાદ
  • સૌરાષ્ટ્ર: ૭૧.૨% વરસાદ
  • ઉત્તર ગુજરાત: ૭૧% વરસાદ
  • કચ્છ: ૫૭.૬% વરસાદ

તાપમાનમાં મોટો ઉછાળો: ભુજ ૩૯.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ચોમાસું વિદાય તરફ આગળ વધતાં જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને સૂર્યનારાયણ આકરા તેવર બતાવી રહ્યા છે. ભાદરવાનો આકરો તાપ શરૂ થતાં અનેક શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાઈ ગયો છે. કચ્છના ભુજમાં સૌથી વધુ ૩૯.૫ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આ ઉપરાંત ભાવનગરમાં ૩૮.૬ ડિગ્રી, રાજકોટમાં ૩૭.૫ ડિગ્રી, કંડલામાં ૩૬.૫ ડિગ્રી, વડોદરામાં ૩૬.૪ ડિગ્રી, અમદાવાદમાં ૩૬.૨ ડિગ્રી તેમજ પાટનગર ગાંધીનગરમાં ૩૬ ડિગ્રી તાપમાન નોંધાતાં બપોરના સમયે અંગ દઝાડતી ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder