અમદાવાદ

ખેડા રેલવે સ્ટેશન સોના લૂંટ કેસમાં ફિલ્મી ચેઝ: પીઆઈ 500 મીટર ઘસડાયા છતાં હેન્ડબ્રેક ખેંચી આરોપીઓને દબોચ્યા, ₹4 કરોડનું સોનું રિકવર

ખેડા રેલવે સ્ટેશન સોના લૂંટ કેસમાં ફિલ્મી ચેઝ: પીઆઈ 500 મીટર ઘસડાયા છતાં હેન્ડબ્રેક ખેંચી આરોપીઓને દબોચ્યા, ₹4 કરોડનું સોનું રિકવર

Kheda Railway Station Robbery

અમદાવાદ :

ખેડા રેલવે સ્ટેશન પર સાંજે બનેલી ચકચારી સોનાની લૂંટનો ભેદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને પશ્ચિમ રેલવે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટમાં સંડોવાયેલા તમામ ૪ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ૧૦૦ ટકા મુદ્દામાલ એટલે કે આશરે ₹૪ કરોડની કિંમતનું ૨.૯૦ કિલો સોનું તેમજ ગુનામાં વપરાયેલી ટાટા ટિયાગો અને મારુતિ બલેનો કાર જપ્ત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ટીમની અપ્રતિમ બહાદુરી અને ત્વરિત કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે.

ભોગ બનનારની સમયસૂચકતા અને રૂટ મેપિંગથી કડી મળી

સાંજે આશરે ૫:૦૦ વાગ્યાના અરસામાં ખેડા રેલવે સ્ટેશન પર સોનું લઈને જઈ રહેલા વેપારી/મુસાફર પર ત્રાટકીને લૂંટારુઓ સોનું લૂંટી ભાગ્યા હતા. ભોગ બનનારે હિંમત દાખવીને આરોપીઓનો પીછો કર્યો હતો અને તેમની કારનો ફોટો પાડી લીધો હતો. જીઆરપી ખેડા દ્વારા સીસીટીવી અને વાહનની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમને મોકલાતાં સાંજે ૭:૩૦ વાગ્યે અમદાવાદ ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી હતી. વાહનના નંબર અને ટેકનિકલ એસડીઆર વિશ્લેષણથી બનાવમાં બનાસકાંઠા કનેક્શન ખુલ્યું હતું. એલસીબી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહે બાતમીદાર નેટવર્કથી શંકાસ્પદ ટાટા ટિયાગો અને તેની પાછળ નંબર પ્લેટ વગર દોડી રહેલી બલેનો કારનું ચોક્કસ લોકેશન મેળવી લીધું હતું.

વિરમગામ ટાઉનમાં રસ્તો બ્લોક કરી પ્રથમ આરોપી પકડાયો

બંને વાહનો સાચાણા થઈ વિરમગામ તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળતાં જ વિરમગામ ટાઉન પોલીસ અને એલસીબીએ નાકાબંધી કરી હતી. એલસીબીના હિમાંશુ અને વિરમગામ પોલીસના સિદ્ધરાજે ટ્રક અને અન્ય વાહનો આડા મૂકી રસ્તો બ્લોક કરી દીધો હતો અને બલેનો કારમાં સવાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે લૂંટાયેલા સોના સાથે અન્ય ત્રણ આરોપીઓ ટિયાગો કારમાં આગળ નીકળી ચૂક્યા છે. પોલીસે કુનેહપૂર્વક આ આરોપી મારફતે ટિયાગો કારને પણ તે જ રૂટ તરફ પરત બોલાવી ઘેરાબંધી કરી લીધી હતી.

પીઆઈ એસ.એ. ગઢવી ૫૦૦ મીટર ઘસડાયા છતાં હેન્ડબ્રેક ખેંચી કાર રોકી

પોલીસથી ઘેરાયેલા જોઈ લૂંટારુઓએ ટિયાગો કાર સીધી પીઆઈ એસ.એ. ગઢવીની સરકારી ગાડી સાથે અથડાવી દીધી હતી અને રિવર્સ ગિયરમાં કાર ભગાવવા લાગ્યા હતા. આ કપરી ક્ષણે પીઆઈ એસ.એ. ગઢવીએ પોતાના જીવની પરવા કર્યા વિના ચાલુ કારનો દરવાજો પકડી લીધો હતો. આરોપીઓએ તેમને ચાલુ વાહને ૫૦૦ મીટર સુધી ઢસડ્યા હતા. અત્યંત જોખમી હાલતમાં પણ અદભુત સાહસ દાખવી પીઆઈ ગઢવીએ ચાલુ કારનું સ્ટીયરિંગ કાબૂમાં લઈ ઈમરજન્સી હેન્ડબ્રેક ખેંચી વાહન અટકાવી દીધું હતું. ત્યારબાદ અન્ય પોલીસ જવાનોએ ત્રાટકીને કારમાંથી આરોપીઓને દબોચી લીધા હતા, જ્યારે ખેતરમાં ભાગવા ગયેલા એક આરોપીને પણ કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો.

સીટ કવરમાંથી ₹૪ કરોડનું સોનું મળ્યું

પોલીસે બલેનો કારના સીટ કવરની અંદર ગુપ્ત રીતે છુપાવેલું લૂંટનું ૨.૯૦ કિલોગ્રામ સોનું (કિંમત આશરે ₹૪ કરોડ) કબજે કર્યું હતું. આ સંયુક્ત સફળ ઓપરેશનમાં એલસીબી પીઆઈ રઘુ કરમટીયા, પીઆઈ એસ.એ. ગઢવી, પીઆઈ પરેશા જાની સહિત વિરમગામ ટાઉન પોલીસ અને એલસીબી સ્ટાફે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder