નવી દિલ્હી:
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજા રેન્કિંગમાં વિશ્વ ક્રિકેટ પર ભારતનો ભવ્ય દબદબો જોવા મળ્યો છે. ટીમ ઇન્ડિયા સામૂહિક રીતે વનડે (ODI) અને ટી20 (T20I) બંને ફોર્મેટમાં વિશ્વની નંબર-૧ ટીમ તરીકે પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. આ ઉપરાંત વ્યક્તિગત કેટેગરીમાં પણ ભારતીય ખેલાડીઓએ અસાધારણ પ્રદર્શન કર્યું છે. અલગ-અલગ ફોર્મેટની ટોપ-૧૦ રેન્કિંગમાં ભારતના કુલ ૧૬ ખેલાડીઓ પોતાનું સ્થાન જમાવીને બેઠા છે, જે પૈકી ૩ સ્ટાર ખેલાડીઓ પોતપોતાના વિભાગમાં વિશ્વમાં પ્રથમ સ્થાને બિરાજમાન છે.

ગિલ અને બુમરાહ બે અલગ-અલગ ફોર્મેટના ટોપ-10 માં
આ નવી રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ અને પ્રીમિયર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. આ બંને ખેલાડીઓ બે અલગ-અલગ ફોર્મેટના ટોપ-૧૦ રેન્કિંગમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
ટેસ્ટ ક્રિકેટ: જાડેજા નંબર-1 ઓલરાઉન્ડર, ટીમ ચોથા સ્થાને
ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે શ્રેણી પરાજય બાદ ભારતીય ટીમ ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ચોથા ક્રમે આવી ગઈ છે. જોકે વ્યક્તિગત સ્તરે:
- ઓલરાઉન્ડર: રવીન્દ્ર જાડેજા વિશ્વના નંબર-૧ ટેસ્ટ ઓલરાઉન્ડર તરીકે અકબંધ છે, જ્યારે વોશિંગ્ટન સુંદર ૬ઠ્ઠા સ્થાને પહોંચ્યા છે.
- બેટિંગ: ઋષભ પંત અને શુભમન ગિલ બંને સંયુક્ત રીતે ૭મા સ્થાને છે.
- બોલિંગ: જસપ્રીત બુમરાહ એકમાત્ર ભારતીય બોલર તરીકે ટોપ-૧૦માં ૪થા સ્થાને યથાવત છે.
વનડે ક્રિકેટ: શુભમન ગિલ બેટિંગમાં બાદશાહ, કોહલી-રોહિત પણ રેસમાં
વનડે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા વિશ્વમાં પ્રથમ ક્રમે છે. બેટિંગ ડિપાર્ટમેન્ટમાં ભારતીય ત્રિપુટીનો દબદબો છે:
- કેપ્ટન શુભમન ગિલ વનડે બેટિંગ રેન્કિંગમાં વિશ્વમાં નંબર-૧ પર છે.
- વિરાટ કોહલી ત્રીજા અને રોહિત શર્મા ચોથા સ્થાને છે. ૨૭ સપ્ટેમ્બરથી વેસ્ટઇન્ડિઝ સામે શરૂ થઈ રહેલી ૩ વનડે મેચોની સિરીઝમાં બંને સીનિયર ખેલાડીઓ પાસે ફરી ટોચનું સ્થાન મેળવવાની સુવર્ણ તક રહેશે.
- ઓલરાઉન્ડર્સમાં અક્ષર પટેલ ૯મા સ્થાને અને બોલિંગમાં ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ ૯મા ક્રમે છે.
T20 ફોર્મેટ: ભારત નંબર-1 ટીમ, ઈશાન કિશન બન્યો બેટિંગ કિંગ
T20 ફોર્મેટમાં ઈંગ્લેન્ડ સામેની કટોકટ સ્પર્ધા વચ્ચે ભારત પ્રથમ સ્થાને અકબંધ છે. T20 માં ભારતના ૬ ખેલાડીઓ ટોપ-૧૦માં છે:
- બેટિંગ: વિસ્ફોટક બેટ્સમેન ઈશાન કિશન વિશ્વનો નંબર-૧ બેટ્સમેન બન્યો છે, જ્યારે અભિષેક શર્મા બીજા સ્થાને અને તિલક વર્મા ૯મા ક્રમે છે.
- ઓલરાઉન્ડર: હાર્દિક પંડ્યા ૭મા સ્થાને છે.
- બોલિંગ: મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ૭મા સ્થાને અને જસપ્રીત બુમરાહ ૧૦મા ક્રમે છે.