નવી દિલ્હી
હેલ્થ ઇન્સ્યોરન્સ (આરોગ્ય વીમો) ધરાવતા કરોડો પોલિસીધારકો માટે એક મોટો અને ચિંતાજનક ફેરફાર સામે આવી રહ્યો છે. દેશની નોન-લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓ આગામી ૧ જાન્યુઆરી ૨૦૨૭થી રિટેલ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઓમાં ફરજિયાત ૧૦ ટકા ‘કો-પેમેન્ટ’ (Co-payment) લાગુ કરવા પર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. જો આ પ્રસ્તાવને આખરી મંજૂરી મળશે તો હોસ્પિટલમાં દાખલ થતી વખતે મંજૂર થયેલા પાત્ર ક્લેમનો ૧૦ ટકા હિસ્સો ગ્રાહકે પોતાના ખિસ્સામાંથી જ ચૂકવવો પડશે.

મહત્તમ યોગદાન ₹૫ લાખ સુધી સીમિત રાખવાની જોગવાઈ
પ્રસ્તાવિત સુધારા અનુસાર, વીમા કંપનીઓ ગ્રાહકના ખિસ્સામાંથી જવાના ૧૦ ટકા ખર્ચની મહત્તમ મર્યાદા એક ક્લેમ પર ₹૫ લાખ સુધી સીમિત રાખવાનું આયોજન કરી રહી છે. આ વધારાના બોજના બદલામાં પોલિસીધારકોને વાર્ષિક પ્રીમિયમમાં અમુક ટકા રાહત અથવા ઘટાડાનો ફાયદો આપવાની વાત કહેવામાં આવી છે. હાલમાં આ પ્રસ્તાવ જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલના ટેબલ પર વિચારાધીન છે.
કેશલેસ હોય કે રીઇમ્બર્સમેન્ટ: બંને ક્લેમ પર નિયમ લાગુ થશે
નવા ડ્રાફ્ટ મુજબ, જેમણે વ્યાપક (Comprehensive) હેલ્થ પોલિસી લીધી હશે તેમને પણ આ નિયમ લાગુ થશે:
- હોસ્પિટલમાં એડમિટ થવા દરમિયાન થતા તમામ માન્ય તબીબી ખર્ચના ૧૦ ટકા દર્દીએ સ્વખર્ચે આપવા પડશે.
- આ શરત કેશલેસ ટ્રીટમેન્ટ અને હોસ્પિટલ બિલ ચૂકવ્યા બાદ થતા રીઇમ્બર્સમેન્ટ—બંને પ્રક્રિયા પર એકસમાન રીતે લાગુ થશે.
- બીમારીની સાથે-સાથે આકસ્મિક ઇજા (Accident) ના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના કેસોમાં પણ આ કપાત થશે.
- જોકે, ઓપીડી (OPD – આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ) સંબંધિત ક્લેમ આ પ્રસ્તાવના દાયરામાં સામેલ રહેશે નહીં.
બીજી પોલિસી કે રાઇડર પણ કામ નહીં આવે
આ પ્રસ્તાવની સૌથી કડક શરત એ છે કે પોલિસીધારક કોઈ એડ-ઓન કવર, રાઇડર કે એન્ડોર્સમેન્ટ લઈને પણ આ ૧૦ ટકા કો-પેમેન્ટને હટાવી કે ઘટાડી શકશે નહીં. વધુમાં, જો કોઈ ગ્રાહક પાસે બે અલગ-અલગ કંપનીઓની હેલ્થ પોલિસી હશે તો પણ તે પોતાના હિસ્સાની આ ૧૦ ટકા રકમ બીજી પોલિસીમાંથી વસૂલ કરી શકશે નહીં. આ જોગવાઈ તમામ રિટેલ ઇન્ડેમનિટી પોલિસીઓ, ગ્રુપ રિટેલ પોલિસી, કોમ્બી પ્રોડક્ટ્સ તેમજ પોર્ટેબિલિટી બિઝનેસ પર લાગુ કરવાની તૈયારી છે.
ઇન્સ્યોરન્સ નિષ્ણાતો દ્વારા આકરો વિરોધ
આ પ્રસ્તાવ સામે વીમા નિષ્ણાતોએ સવાલો ઉઠાવ્યા છે. હેલ્થ ઇન્સ્યોરન્સ એક્સપર્ટ શ્રીરાજ દેશપાંડેના જણાવ્યા અનુસાર, ગ્રાહકોને પોતાની જરૂરિયાત મુજબ પોલિસી પસંદ કરવાની પૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. જે ગ્રાહકો પહેલેથી ઊંચું પ્રીમિયમ ભરીને મોટું સમ-ઇન્શ્યોર્ડ (કવરેજ) મેળવે છે, તેમની પાસેથી સારવાર વખતે ફરીથી ૧૦ ટકા રકમ વસૂલવી અન્યાયી છે. આ પ્રકારના ફરજિયાત નિયમોથી સામાન્ય મધ્યમવર્ગીય નાગરિકો ઊંચા કવરવાળી હેલ્થ પોલિસી ખરીદવાથી વિમુખ થઈ શકે છે.