નવી દિલ્હી:
દેશભરમાં આજે ૨ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતી આદર અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી રહી છે. નવી દિલ્હી સ્થિત બાપુના સમાધિ સ્થળ રાજઘાટ ખાતે વિશેષ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહોંચીને બાપુની સમાધિ પર પુષ્પ અર્પણ કરી કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

સર્વધર્મ પ્રાર્થના સભા અને પક્ષ-વિપક્ષના નેતાઓની ઉપસ્થિતિ
રાજઘાટ પર આયોજિત પરંપરાગત સર્વધર્મ પ્રાર્થના સભામાં વિવિધ ધર્મોના પ્રતિનિધિઓએ બાપુના પ્રિય ભજનો અને પ્રાર્થનાઓનું પઠન કર્યું હતું. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, દિલ્હીના ઉપરાજ્યપાલ તારણજીત સિંહ સંધૂ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત દેશના અગ્રણી નેતાઓએ રાજઘાટ પહોંચી બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. નેતાઓએ બાપુના સત્ય, અહિંસા, સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના વિચારને દેશના વિકાસનો આધાર ગણાવ્યો હતો.
વિજયઘાટ ખાતે પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ
ગાંધી જયંતીની સાથે સાથે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને સાદગીના પ્રતીક એવા ભારત રત્ન લાલબહાદુર શાસ્ત્રીજીની જયંતી પણ શ્રદ્ધાભેર ઉજવવામાં આવી હતી. તેમના સમાધિ સ્થળ વિજયઘાટ ખાતે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, પિયૂષ ગોયલ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પી હતી. નેતાઓએ શાસ્ત્રીજીના ઐતિહાસિક નારા ‘જય જવાન, જય કિસાન’ તેમજ ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન તેમના અદમ્ય નેતૃત્વ અને સરળ જીવનશૈલીને યાદ કરી રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને વંદન કર્યા હતા.