નવી દિલ્હી:
ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઈમ, ઓનલાઇન છેતરપિંડી અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ઊભા થતા જોખમોને નાથવા માટે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ વિભાગ (DoT) સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. મોબાઇલ સિમકાર્ડના દુરુપયોગ, બોગસ દસ્તાવેજોથી સિમ મેળવવા કે મોબાઇલના યુનિક IMEI નંબરમાં છેડછાડ કરનારાઓ સામે સરકારે અત્યંત આકરા નિયમો લાગુ કર્યા છે. હવેથી પોતાના નામે લીધેલું સિમકાર્ડ બીજાને વાપરવા આપવું, વેચવું કે મોબાઇલ સાથે ટેકનિકલ ચેડાં કરવા બદલ આરોપીને ૩ વર્ષ સુધીની જેલની સજા અને રૂ. ૫૦ લાખ સુધીનો ભારે દંડ ફટકારવાની કડક જોગવાઈ કરવામાં આવી છે.

પોતાનું સિમ બીજાને આપવું પણ ગુનો: મૂળ માલિક સીધા લપેટાશે
ટેલિકોમ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સામાન્ય રીતે લોકો પોતાના આધાર કાર્ડ કે આઈડી પર સિમ લઈને મિત્રો કે સંબંધીઓને વાપરવા આપી દેતા હોય છે. પરંતુ હવે જો કોઈ વ્યક્તિ પોતાના નામે ઇશ્યૂ થયેલું સિમકાર્ડ અન્ય કોઈને આપશે કે વેચશે અને તે નંબરનો ઉપયોગ કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કે સાયબર ફ્રોડમાં થશે, તો કાયદાની નજરમાં મૂળ દસ્તાવેજ ધારક (ઓરિજિનલ ગ્રાહક) પણ એટલો જ જવાબદાર ગણાશે. આ ઉપરાંત મોબાઈલ ફોનના IMEI (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબરમાં સોફ્ટવેર મારફતે કોઈપણ પ્રકારની છેડછાડ કરવી એ પણ ગંભીર ગુનાની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશમાં પકડાયેલા બોગસ સિમ કૌભાંડે તંત્રને હચમચાવી દીધું
હાલમાં જ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સરહદે સામે આવેલા એક મોટા કૌભાંડ બાદ ટેલિકોમ વિભાગે આ કડક વલણ અખત્યાર કર્યું છે. પોલીસ અને ટેલિકોમ વિભાગની તપાસમાં ખુલાસો થયો હતો કે છત્તીસગઢના કેટલાક અધિકૃત એજન્ટોએ નિર્દોષ નાગરિકોના કેવાયસી (KYC) દસ્તાવેજોનો દુરુપયોગ કરીને બારોબાર ૨૫ બોગસ મોબાઇલ કનેક્શન સક્રિય કરી દીધા હતા. આ બાબત સામે આવતાં જ સંબંધિત એજન્ટોને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરી દેવાયા હતા અને નવું સિમ વેચવા પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મથી રાતોરાત શંકાસ્પદ કનેક્શનો રદ
સરકારે આવા કૌભાંડો પકડવા માટે શરૂ કરેલા હાઇટેક ‘ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ’ દ્વારા આ તમામ ૨૫ કનેક્શનોનું ઊંડાણપૂર્વક રી-વેરિફિકેશન કરાવ્યું હતું. જેમાં દસ્તાવેજો શંકાસ્પદ જણાતાં તમામ કનેક્શન તાત્કાલિક બ્લોક કરી દેવાયા હતા. સરકાર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ટૂલ્સ દ્વારા દેશભરમાં એક જ ફોટો કે અલગ-અલગ દસ્તાવેજો પર ચાલી રહેલા શંકાસ્પદ સિમકાર્ડ શોધી રહી છે.
સામાન્ય નાગરિકો માટે સલાહ: ‘સંચાર સાથી’ પોર્ટલ પર ચેક કરો
ટેલિકોમ વિભાગે સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ પોતાના નામે કેટલા સિમકાર્ડ એક્ટિવ છે તેની નિયમિત તપાસ કરતા રહે. જો તમારા આધાર કાર્ડ કે આઈડી પર તમારી જાણ બહાર કોઈ નંબર ચાલુ હોય, તો તેને તાત્કાલિક ટેલિકોમ વિભાગના સત્તાવાર પોર્ટલ પર રિપોર્ટ કરી બ્લોક કરાવો, જેથી ભવિષ્યમાં કોઈ સાયબર ગુનામાં તમારી સામે કાનૂની કાર્યવાહી ન થાય.