વડોદરા:
ગુજરાતને વૈશ્વિક કક્ષાએ ઉદ્યોગ અને રોકાણનું હબ બનાવવાના મક્કમ ઈરાદા સાથે વડોદરા ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC) ની ચોથી કડીનો ભવ્ય પ્રારંભ થયો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર તેમજ રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ કોન્ફરન્સ ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ મોદીની સોચથી ભારત તેજ ગતિએ આગળ વધ્યું: મુખ્યમંત્રી
કોન્ફરન્સને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી સોચ અને સમય કરતાં આગળનું વિચારીને તેના સફળ ઈમ્પ્લીમેન્ટેશનની પ્રતિબદ્ધતાના કારણે જ આજે ભારત દરેક ક્ષેત્રમાં તેજ ગતિએ આગળ વધ્યું છે.” તેમણે ઉમેર્યું કે પીએમ મોદીએ શરૂ કરેલી વાઈબ્રન્ટ સમિટની પરંપરા આજે ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચીને પ્રાદેશિક વિકાસને નવી ગતિ આપી રહી છે.
ચર્ચાને નિર્ણયોમાં બદલવા CMનું આહવાન
મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, રોકાણકારો અને સ્ટાર્ટઅપ સાહસિકોને એક થઈને આગળ વધવા હાકલ કરી હતી. તેમણે આહવાન કર્યું હતું કે, આ VGRCમાં થનાર તમામ ડિસ્કશન (Discussion) ને ડિસિઝન (Decision) માં, આઈડિયાઝ (Ideas) ને પ્રોજેક્ટ્સ (Projects) માં અને પ્રોજેક્ટ્સને પ્રોસ્પેરિટી (Prosperity – સમૃદ્ધિ) માં પરિવર્તિત કરવામાં આવે, જેથી સ્થાનિક સ્તરે રોજગારી અને આર્થિક વિકાસના નવા દ્વાર ખુલે.
વાઈબ્રન્ટ હવે વૈશ્વિક ઈનોવેશનનું પ્રતિક: હર્ષ સંઘવી
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, “વાઈબ્રન્ટ ગુજરાત હવે માત્ર ઈન્વેસ્ટમેન્ટ મેળવવા માટેની સમિટ નથી રહી, પરંતુ તે ગ્લોબલ પાર્ટનરશિપ અને ઈનોવેશનનું એક મજબૂત પ્રતિક બની ચૂકી છે.” મધ્ય ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આ કોન્ફરન્સ ખૂબ જ મહત્વની સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે આ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત ટ્રેડ શો અને સેમિનાર્સ દ્વારા સ્થાનિક MSMEs, સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યોગસાહસિકોને ગ્લોબલ માર્કેટ સાથે જોડાવાની ઉત્તમ તક મળશે.
