


રિપોર્ટ આરીફ દિવાન મોરબી : મહોરમના પવિત્ર તહેવાર દરમિયાન જ્યાં એક તરફ શ્રદ્ધા, આસ્થા અને શાંતિનું વાતાવરણ જોવા મળ્યું, ત્યાં બીજી તરફ પોલીસની માનવતાભરી કામગીરીએ સૌના દિલ જીતી લીધા. મહેરબાન પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને નાગરિકો નિરાંતે તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોલીસ સતત ખડેપગે ફરજ બજાવી રહી હતી.નગર દરવાજા વિસ્તારમાં મહોરમના જુલૂસ દરમિયાન ભારે માનવમેદની વચ્ચે પોતાના માતા-પિતાથી વિખૂટા પડી ગયેલા ત્રણ નાના બાળકોને ટ્રાફિક પોલીસની ટીમે તાત્કાલિક શોધખોળ કરીને સુરક્ષિત રીતે તેમના પરિવાર સુધી પહોંચાડ્યા. બાળકો જ્યારે પોતાના વાલીઓને મળ્યા ત્યારે તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા, જ્યારે માતા-પિતાની આંખોમાં પણ હર્ષ અને રાહતના આંસુ છલકાયા. આ દૃશ્યએ ઉપસ્થિત લોકોને ભાવવિભોર કરી દીધા.આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર (ટ્રાફિક)ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.બી. ઠક્કર, કોન્સ્ટેબલ ભાનુભાઈ, દેવાયતભાઈ, ટી.આર.બી. મેહુલભાઈ, ફારૂકભાઈ તથા હોમગાર્ડ જતીનભાઈ દવે દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.મહોરમ માત્ર ધાર્મિક આસ્થાનો તહેવાર જ નહીં, પરંતુ સેવા, સંવેદના અને માનવતાનો પણ સંદેશ આપે છે.





આવી પવિત્ર ઘડીએ પોલીસ દ્વારા ફરજને માત્ર કાયદો-વ્યવસ્થાની મર્યાદામાં નહીં રાખીને માનવતાની ભાવના સાથે નિભાવવામાં આવી, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. ભીડભાડ વચ્ચે ટ્રાફિક સંભાળવાની સાથે બાળકોને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલન કરાવવાની આ કામગીરી પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે અને દર્શાવે છે કે સાચી ફરજ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તેમાં માનવતા પણ જોડાય.