પોલીસ ડાયરી મોરબી

મોરબીમાં મરચાની ભૂકી છાંટી રૂ. ૮.૩૮ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ટીપ્સ આપનાર મોબાઈલ દુકાનદાર સહિત ૩ ઝડપાયા

મોરબીમાં મરચાની ભૂકી છાંટી રૂ. ૮.૩૮ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ટીપ્સ આપનાર મોબાઈલ દુકાનદાર સહિત ૩ ઝડપાયા

મોરબી:

મોરબીના સરતાનપર રોડ પર સેન્સો ચોકડી નજીક મની ટ્રાન્સફરના વેપારીને આંતરી, આંખમાં મરચાની ભૂકી છાંટી અને છરી બતાવી રૂ. ૮,૩૮,૫૦૦/- ની ચલાવાયેલી સનસનાટીભરી લૂંટનો મોરબી તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં લૂંટની ચોક્કસ ટીપ્સ આપનાર સ્થાનિક મોબાઈલ દુકાનદાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી રોકડ રકમ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

⏱️ ફિલ્મી ઢબે એક્ટિવાને ટક્કર મારી લૂંટ ચલાવી હતી

ગત તા. ૧૮/૦૫/૨૦૨૬ ના રોજ બપોરે પોણા બે વાગ્યાના અરસામાં મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા ફારુકભાઈ રજાકભાઈ સુમરા પોતાનું એક્ટિવા (GJ-36-AN-5702) લઈને કલેક્શનના રૂ. ૯,૮૯,૦૦૦/- થેલામાં મૂકીને સેન્સો ચોકડીથી મોરબી તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી ખોટી નંબર પ્લેટ (GJ 27K 1126) લગાવેલી સફેદ કલરની સ્વીફ્ટ કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ એક્ટિવાને પાછળથી ટક્કર મારી ફારુકભાઈને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ ઝપાઝપી કરી, છરી બતાવી અને આંખમાં મરચાની ભૂકી છાંટીને થેલામાંથી રૂ. ૮,૩૮,૫૦૦/- ની રોકડ રકમ લૂંટીને નાસી છૂટ્યા હતા.

📱 ‘બાબા રામદેવ મોબાઈલ’ના માલિકે જ રચ્યું હતું કાવતરું!

આ ચકચારી લૂંટનો ભેદ ઉકેલવા મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા અને સર્વેલન્સ સ્ટાફે ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે ફરિયાદીએ છેલ્લે સેન્સો ચોકડી પાસે આવેલી ‘બાબા રામદેવ મોબાઈલ’ નામની દુકાનેથી કલેક્શન કર્યું હતું. જેથી પોલીસે દુકાનના માલિક હેમરાજ ઉર્ફે હેમારામ સોનારામ રાજસ્થાનીની પ્રવૃત્તિ પર વોચ ગોઠવી તેને રાઉન્ડઅપ કર્યો હતો.

પોલીસની આગવી ઢબે પૂછપરછમાં હેમરાજે પોપટ બનીને કબૂલાત કરી હતી કે ફરિયાદી અવારનવાર તેની દુકાનેથી મોટી રકમનું કલેક્શન કરીને નીકળતો હોવાથી તેણે પોતાના મિત્ર જસરાજ ઉર્ફે જસવંત પુરારામ ચૌધરી સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જસરાજે આ માટે રાજસ્થાનથી તેના માણસો માંગીલાલ ઉર્ફે મનોજ તથા ધનારામને સ્વીફ્ટ કાર સાથે બોલાવ્યા હતા અને સ્થાનિક સાગરીત રીકેન ઉર્ફે ભુદેવ દવેને પણ ટીમમાં સામેલ કર્યો હતો. ઘટનાના દિવસે ફરિયાદી દુકાનેથી નીકળતા જ હેમરાજે જસરાજને ફોન કરી દીધો હતો અને પ્લાન મુજબ સ્વીફ્ટ કારમાં આવેલા શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટ બાદ જસરાજે ટીપ્સ આપવા બદલ હેમરાજને રૂ. ૨૦,૦૦૦/- આપ્યા હતા.

⚡ વડોદરાથી આરોપી ઝડપાયો

લૂંટ ચલાવ્યા બાદ મુખ્ય સાગરીત રીકેન ઉર્ફે ભુદેવ દવે વડોદરા નાસી ગયો હોવાની ખાનગી બાતમી મળતા જ મોરબી તાલુકા પોલીસે એક ટીમ વડોદરા મોકલી હતી. વડોદરા શહેર એલ.સી.બી. ઝોન-૧ ના અધિકારી અને કર્મચારીઓની મદદથી આરોપી રીકેન ઉર્ફે ભુદેવને ઝડપી પાડી તેની પાસેથી લૂંટના રૂ. ૪૫,૦૦૦/- રોકડા અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો હતો.

👮 અટકાયત કરાયેલા આરોપીઓ:

૧) હેમરાજ ઉર્ફે હેમારામ સોનારામ મેઘવાલ (ઉ.વ. ૨૧, રહે. બાડમેર, રાજસ્થાન – મોબાઈલ દુકાનદાર/ટીપ્સ આપનાર)

૨) જસરાજભાઈ ઉર્ફે જસવંતભાઈ પુરારામ ચૌધરી (ઉ.વ. ૨૨, રહે. વાંકાનેર, મૂળ રાજસ્થાન – મુખ્ય પ્લાનર)

૩) Core / રીકેનભાઇ ઉર્ફે ભુદેવ સંજયભાઈ દવે (ઉ.વ. ૨૦, રહે. નવા જાંબુડીયા, મોરબી, મૂળ વડોદરા – લૂંટ કરનાર)

🔍 પકડવાના બાકી આરોપીઓ:

૧) માંગીલાલ ઉર્ફે મનોજ

૨) ધનારામ

💰 કબજે કરાયેલો મુદ્દામાલ:

રોકડ રકમ: રૂ. ૧,૫૫,૦૦૦/-

મોબાઈલ ફોન: ૦૩ (કિંમત રૂ. ૬૦,૦૦૦/-)

👏 પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ ટીમ:

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ. ઘેટીયા, પીએસઆઈ સી.એસ. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફ અને વડોદરા શહેર એલ.સી.બી. ઝોન-૧ ની ટીમે સંયુક્ત રીતે આ પ્રશંસનીય ઓપરેશન પાર પાડી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder