


એશા પારેખ, મુળી:મૂળી તાલુકાના મૂળ સરા ગામના વતની, નિવૃત્ત આર્મીમેન (એક્સ સર્વિસમેન) તથા હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં ફરજ બજાવતા શ્રી વાસુદેવભાઈ ભીખાભાઈ વરમોરાએ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે શિક્ષણ પ્રત્યેની પોતાની સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે શ્રી જેપર પ્રાથમિક શાળા અને શ્રી રાણીપાટ વાડી પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક અને ચોપડાનું વિતરણ કરીને બાળકોના શિક્ષણમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો. દેશની સરહદો પર સેવા આપ્યા બાદ હવે બેંકિંગ ક્ષેત્રે ફરજ બજાવી રહેલા વાસુદેવભાઈ સમાજસેવાના કાર્યમાં પણ સતત સક્રિય રહેતા હોવાનું આ

પ્રસંગે ફરી એકવાર સાબિત થયું. તેમના આ સેવાભાવી કાર્યથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે નવો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે બાળકોના ચહેરા પર ખુશીની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.આ પ્રસંગે બંને શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ વાસુદેવભાઈના આ ઉમદા કાર્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. સૌએ જણાવ્યું કે સમાજના સક્ષમ નાગરિકો શિક્ષણ ક્ષેત્રે આ પ્રકારનો સહયોગ આપે ત્યારે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણને નવી દિશા મળે છે. શિક્ષણ માટેનો નાનામાં નાનો સહયોગ પણ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. નિવૃત્ત સૈનિક દ્વારા સમાજને પરત આપવાની આ ભાવના માત્ર સેવાકીય કાર્ય નથી, પરંતુ શિક્ષણ, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીનું જીવંત ઉદાહરણ છે. આવા પ્રયાસો અન્ય સક્ષમ નાગરિકોને પણ શિક્ષણના યજ્ઞમાં જોડાવા માટે પ્રેરણા આપે છે.