


રિપોર્ટ એશા પારેખ, મુળી: મુળી તાલુકાના સરલા ગામ ખાતે શ્રી સી. આર. ગાર્ડી વિદ્યામંદિર સરલા અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલાના સંયુક્ત ઉપક્રમે ગત તા. 24 જૂન, 2026ના રોજ “શાળા પ્રવેશોત્સવ-2026″નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા તેમજ તેમનું શાળામાં ઉષ્માભર્યું સ્વાગત કરવાનો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના ઉપ સચિવશ્રી શ્રીમતી પારૂલબેન મેકવાન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી શિક્ષણ, શિસ્ત અને સંસ્કારના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરીને સતત પરિશ્રમ કરવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે શ્રીમતી રેખાબેન પરમાર (લાયઝન અધિકારી), મહિપાલસિંહજી (સી.આર.સી. કો-ઓર્ડિનેટર), બચુભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ તેમજ સરપંચ રાજુભાઈ મટુડિયા સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



કાર્યક્રમના સફળ આયોજનમાં શ્રી સી. આર. ગાર્ડી વિદ્યામંદિરના આચાર્ય જયેશભાઈ દવે તથા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલાના આચાર્ય વારિસભાઈ ભટ્ટાનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાની દીકરીઓએ સુંદર સંચાલન કરીને ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું.
અંતે આચાર્ય વારિસભાઈ ભટ્ટાએ આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણાહુતિ આપી હતી. ઉત્સાહ અને આનંદના માહોલમાં યોજાયેલ આ પ્રવેશોત્સવ નવા વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહ્યો હતો.