વાંકાનેર:
વાંકાનેર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાની સુવિધા સુદૃઢ કરવા અને અંતરિયાળ ગામડાંઓ વચ્ચેનું જોડાણ વધુ સરળ બનાવવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ થયો છે. પંચાસીયા ગામથી રાતીદેવળી ગામ સુધીના આશરે ૮.૩૦ કિલોમીટર લાંબા મુખ્ય ડામર રોડના રીસરફેસિંગ (નવીનીકરણ) કામનું પંચાસીયા ગામ ખાતે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના વરદ હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

₹૪.૧૭ કરોડથી વધુના ખર્ચે માર્ગનું થશે આધુનિકીકરણ
સરકાર દ્વારા મંજૂર કરાયેલી આ યોજના અંતર્ગત પંચાસીયા–રાતીદેવળી માર્ગના રીસરફેસિંગ માટે અંદાજે રૂ. ૪,૧૭,૨૨,૩૬૦ નો જંગી ખર્ચ કરવામાં આવશે. લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગનું નવેસરથી ડામરકામ પૂર્ણ થતાં જ પંચાસીયા, રાતીદેવળી સહિત આસપાસના ગ્રામીણ પંથકના ખેડૂતો, વિદ્યાર્થીઓ, દૂધ ઉત્પાદકો તેમજ દૈનિક અવરજવર કરતા વાહનચાલકોને ખાડાઓ અને ધૂળની ડમરીઓમાંથી કાયમી મુક્તિ મળશે અને સુગમ વાહનવ્યવહારની સુવિધા પ્રાપ્ત થશે.
રાજકીય આગેવાનો અને ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિ
આ ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વોરા, પંચાસીયા ગામના સરપંચ દીનેશભાઈ ચારોલા, નગરપાલિકા કાઉન્સિલરો કાંતિભાઈ કુંઢીયા, પ્રદ્યુમનભાઈ પઢીયાર, બ્રિજરાજસિંહ ઝાલા, જીજ્ઞેશભાઈ નાગ્રેચા, મનુભાઈ સારેસા અને દીનેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વાંકાનેર APMC ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી ડાયાભાઈ સરૈયા સહિત અગ્રણીઓ દીપકભાઈ દવે, વીરાજભાઈ મહેતા, નિસર્ગભાઈ યાજ્ઞિક તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
કામની ગુણવત્તા અને સમયમર્યાદા પર ગ્રામજનોની નજર

લાંબા સમયની રજૂઆતો બાદ છેવટે આ માર્ગના નવીનીકરણનું કામ મંજૂર થઈને ધ્રાંગધ્રા-વાંકાનેર પંથકના ગ્રામીણ રસ્તાઓ સુધારવાની દિશામાં આગળ વધતાં સ્થાનિકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. ગ્રામજનોએ આશા વ્યક્ત કરી હતી કે માર્ગ નિર્માણની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ ડામરકામમાં ઉત્કૃષ્ટ ગુણવત્તા જળવાઈ રહે જેથી લાંબા સમય સુધી રોડ ટકી રહે.