વાંકાનેર, તા. 23 જૂન, 2026
વાંકાનેર તાલુકા પંચાયતની કામગીરી અને વિકાસલક્ષી યોજનાઓને વધુ વેગ આપવા માટે આજે તાલુકા પંચાયતની બે મહત્વપૂર્ણ સમિતિઓ–કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ–ના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે ઘનશ્યામસિંહ લખુભા ઝાલા તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચંદ્રીકાબેન રાજેશભાઈ મહાલીયાની સત્તાવાર વરણી કરવામાં આવી હતી.
કારોબારી સમિતિમાં ઝાલા ઘનશ્યામ સિંહ લખુભા, ફાતુબેન યુનુસભાઈ શેરસીયા, જશુબેન સાદુલભાઈ ભુસડીયા, અકબરભાઈ અમીભાઈ વડાવીયા, જેનમબેન ઇદ્રીશભાઈ કડીવાર, દુધીબેન મનસુખભાઈ થુલેટીયા, હુસેનભાઈ વલીભાઈ શેરસીયા, શોભનાબેન પ્રવિણભાઈ બાવળીયા અને ગુલશનબેન સોયબભાઈ બાદીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે સામાજિક ન્યાય સમિતિમાં ચંદ્રીકાબેન રાજેશભાઈ મહાલીયા, રૂપસંગ પરથીભાઈ ચૌહાણ, માણસુર વાલાભાઈ બેડવા, જયશ્રીબેન નવીનભાઈ વોરા અને ઝાલા વિજુબેન સુખાભાઈને સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
રાજકીય રીતે મહત્વની ગણાતી વાંકાનેર તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ રહી છે. માત્ર એક જ કાર્યકાળ દરમિયાન ભાજપને તાલુકા પંચાયતનું સુકાન સંભાળવાની તક મળી હતી, જ્યારે બાકીના સમયગાળામાં કોંગ્રેસે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. હાલમાં પણ તાલુકા પંચાયત કોંગ્રેસના નેતૃત્વ હેઠળ કાર્યરત છે, જે સ્થાનિક સ્તરે પક્ષ પ્રત્યેના પ્રજાના વિશ્વાસનું પ્રતિબિંબ માનવામાં આવે છે.
નવી સમિતિઓની રચના સાથે તાલુકાના વિકાસલક્ષી કાર્યો, ગ્રામ્ય સુવિધાઓ, સામાજિક ન્યાય, કલ્યાણકારી યોજનાઓ અને પ્રજાલક્ષી નિર્ણયો વધુ અસરકારક રીતે અમલમાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનુભવી અને વિવિધ સમાજના પ્રતિનિધિઓને જવાબદારી સોંપાતા વિકાસ અને સુશાસનના પ્રયાસોને નવી દિશા મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ આ વરણીને સંગઠનાત્મક મજબૂતી અને પ્રજાકીય વિશ્વાસના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. કોંગ્રેસના ગઢ ગણાતા વાંકાનેરમાં નવી સમિતિઓ વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.



