મોરબી

મોરબી ભાજપમાં મોટું ગાબડું: જૂના ઘાટીલામાં આંતરિક અસંતોષનો જ્વાળામુખી ફાટ્યો, કાર્યકરોનો સામુહિક બળવો

મોરબી ભાજપમાં મોટું ગાબડું: જૂના ઘાટીલામાં આંતરિક અસંતોષનો જ્વાળામુખી ફાટ્યો, કાર્યકરોનો સામુહિક બળવો

મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ મોરબી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામમાં ભાજપના આંતરિક વિખવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ‘આયાતી’ ઉમેદવારને ટિકિટ મળતા પાયાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે ભાજપના જ ગઢમાં ગાબડું પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

શું છે સમગ્ર વિવાદ?

મળતી માહિતી મુજબ, ગત તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન ભાજપ વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિને કોંગ્રેસમાંથી લાવીને ભાજપે આ વખતે તાલુકા પંચાયતની ટિકિટ આપી છે. પક્ષના આ નિર્ણયથી જૂના અને વફાદાર કાર્યકરોની લાગણી દુભાઈ છે. કાર્યકરોનો આક્ષેપ છે કે પક્ષ માટે રાત-દિવસ મહેનત કરનારાઓની અવગણના કરીને પક્ષપલટો કરનારાઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

પાંચ અગ્રણી કાર્યકરો મેદાનમાં: અપક્ષ ઉમેદવારી નોંધાવી

પક્ષના આ નિર્ણયના વિરોધમાં જૂના ઘાટીલાના કાર્યકરોએ ખુલ્લો બળવો પોકાર્યો છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આંતરિક અસંતોષ એટલો વ્યાપક છે કે એકસાથે પાંચ અગ્રણીઓએ અપક્ષ તરીકે ફોર્મ ભરી ભાજપ સામે પડકાર ફેંક્યો છે:

દિનેશ રમેશભાઈ વિડજા

કેતન રમેશભાઈ વિડજા

અરવિંદ વાસુદેવભાઈ વિડજા

નરેન્દ્ર નાથાલાલ વિડજા

કૈલાશ જાદવજીભાઈ સુરાણી

ભાજપ માટે મુશ્કેલીના એંધાણ

એક તરફ ભાજપ તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે, ત્યારે બીજી તરફ ઘર આંગણે જ સર્જાયેલી આ સ્થિતિએ સંગઠનની ચિંતા વધારી દીધી છે. સ્થાનિક સ્તરે કાર્યકરોના આક્રોશને કારણે આગામી ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.

રિપોર્ટ: સંજય નંદેસરીયા, મોરબી

સૌજન્ય: ગુજરાત ગુંજ ન્યૂઝ

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder